પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોનો મેળાપઃ ૭
 

હૃદય ઊછળ્યું : 'શું તું મહેમાન થઈને આવ્યો છું?'

'અરે ભાઈ ! તને કોણ કહે છે ? આખા ગામને નોતરજે ને? હું તો નંદુભાભીને કહું છું.' ચિતરંજને કહ્યું.

બાર વર્ષથી ચિતરંજન ફરતો હતો. દીનાનાથનો આ પરમ મિત્ર છેક બાળપણની મૈત્રી સાચવી શક્યો હતો. અડધો મશ્કરો, અડધો અબધૂત, એવી જગતમાં એની ગણના થતી હતી. દીનાનાથના અન્ય મિત્રમાં તેની કડક ભાષા, નીડર અભિપ્રાય અને બેદરકાર વર્તન ઘણાં જ અપ્રિય થઈ પડ્યા હતાં. પરંતુ દીનાનાથ અને નંદકુંવરને તેના વગર ચાલતું નહિ. સ્વાર્થી મિત્રોના સ્વાર્થના પ્રસંગો ગણાવી સગાંવહાલાંની પકડાઈ જાય એવી હલકી યુક્તિઓનાં વર્ણન આપી તે ઘણી વાર એ બંને જણને હસાવતો. તેઓ તેની ટીકા સાંભળી રહેતાં, હસતાં, વખતે સંમત થતાં, પરંતુ પોતાના વર્તનમાં તેથી જરા પણ ફેર પડવા દેતાં નહિ. ચિતરંજનની વિદ્વાનમાં ગણના થતી. તે એકલો જ હતો - લગ્ન કર્યું નહોતું, અને અતિશય રખડવાની અને લાંબી મુસાફરી કરવાની તેને ટેવ પડી ગઈ હતી.

'દિનુ ! મને દસેક હજાર રૂપિયા ન ધીરે ?' બાર વર્ષ ઉપર ચિતરંજને દીનાનાથ પાસે માગણી કરી હતી. તેને પહેલે જ દિવસે તેણે દીનાનાથની સાથે કરકસરની બાબતમાં ખૂબ તકરાર કરી હતી.

'તારે પૈસો હવે ગમેતેમ કરીને બચાવવો જ જોઈએ. દેવું ઘણું થવા માંડ્યું છે, અને અત્યારથી નહિ અટકે તો બૂરી દશા આવશે. પૈસો ખૂટતાં જગતમાં કોઈ જ સહાય નહિ કરે.'

દીનાનાથને આથી રીસ ચડી અને આવેશમાં આવી તેણે કહ્યું :

'ચિતરંજન ! આની આ વાત કરવી હોય તો બહેતર છે કે તું ન આવે.'

'ભલે, હું નહિ આવું.' કહી ચિતરંજન ઊઠી ચાલ્યો ગયો. દીનાનાથને પસ્તાવો થયો. નંદકુંવરને તેમણે વાત કહી. પત્નીએ દીનાનાથને સહજ ઠપકો આપ્યો, અને બીજે દિવસે તેને બોલાવવા માણસ મોકલતાં હતાં એટલામાં જ ચિતરંજને આવી માગણી કરી કે :

‘તું બધાં ઉપર ઉપકાર કરે છે. મારે આજે ખાસ જરૂર પડી છે. તો દીનુ ! મને દસેક હજાર રૂપિયા ન ધીરે ?'

પૈસા તેને મળ્યા, અને તે જ રાતના તે ચાલી નીકળ્યો. એક પત્ર ફક્ત તેણે દીનાનાથને લખ્યો, અને તેમાં જણાવ્યું તે પોતે જગતની પરિક્રમા કરવા નીકળે છે.