પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નઠારો વિચાર:૧૪૫
 

આવતી નથી. માત્ર માલિકોને સહજ મૂંઝવણમાં નાખે છે - સુખમાં સૂતેલા અમીરને મગતરું પજવી જાય તેમ. એ પજવણીનું મહત્ત્વ વધારે ન કહેવાય. મગતરાને મસળી શકાય. પરંતુ એ પજવણી હવે વધતી જતી હતી. જરાજરામાં હડતાલ પાડવાની ધમકી મજૂરો આપી મિલમાલિકોની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરતા હતા. એ સ્થિતિ અસહ્ય બનતી જતી હતી. અને ઝાંખું ઝાંખું - મનને કબૂલ કરવું ન ગમે એવું સત્ય માલિકોને પણ દેખાવા લાગ્યું હતું કે મજૂરવર્ગની એકતામાં મૂડીનો પરાજય છે.

મદનલાલને ચીઢ ઉપજાવતું આ સત્ય કાંઈ દેખાઈ ગયું હોય કે કેમ, પણ તેઓ ભારે બેચેની આજ પ્રદર્શિત કરી રહ્યા હતા. ઘડીમાં બારણા તરફ જતા, તો ઘડીમાં બારી તરફ જોતા. વળી જરા ઊઠીને આમતેમ ફરતા, અને વળી પાછા બેસી ચોપડી લઈ વાંચતા. તેમની સર્વકૃતિમાં અસ્થિરપણું લાગતું હતું. એકે કામમાં તેમનું લક્ષ ચોંટ્યું નહિ.

વાત કરીને તેમના ચિત્તને બીજી પાસે લઈ જનારની તેમને જરૂર લાગી અને તેમણે કુસુમને બોલાવી. હમણાં હમણાં કુસમ વગર બોલાવ્યું મદનલાલની પાસે જતી નહિ. પતિની નાની નાની બેદરકારી પત્નીને પતિ તરફ વિરક્ત જ બનાવે છે. પ્રથમથી જ કુસુમને પતિ પ્રત્યે જ્વલંત લાગણી જાગી નહોતી. તેમાં આવી રસિક કોડભરી પત્નીને રીઝવવા રમાડવાની પતિને ઓછી ફુરસદ રહેતી. કુસુમનું હૃદય પ્રથમ માની બન્યું, અને પછી વિરક્ત બનવા લાગ્યું. સનાતનની સાથે વાંચવામાં તેને ઘણો રસ પડતો; એ રસમાં મદનલાલ ભાગ લઈ શકે એમ ન હોવાથી કુસુમે એકલાં જ પોતાનું રસજીવન ગાળવા માંડ્યું. વિચારવા માંડ્યું. અલબત્ત, પતિપત્ની વચ્ચે કશી તકરાર થઈ નહોતી, મદનલાલ કુસુમ તરફ સર્વદા માયાળુ વર્તન રાખતા. છતાં એક પ્રકારનું શીત કુસુમના હૃદયમાં પ્રવેશી ગયું.

પતિએ બોલાવી એટલે એકદમ આવી. તેની વાણી અને તેની ચાલ એવી ને એવી જ ઊછળતી હતી.

'આજ તો સોનાનો સૂરજ ઊગ્યો !' કુસુમ અંદર પ્રવેશ કરતાં બોલી.

'મને આજ ચેન પડતું નથી. તને તેની શી દરકાર ?' મદનલાલ બોલ્યા. ખરેખર ! તેમના મુખ ઉપર વ્યગ્રતા હતી.

'શું કરવાને દરકાર રાખું ? તમારી દરકાર તમારી મિલ ક્યાં ઓછી રાખે છે કે મારી દરકારની જરૂર પડે ?' અડધું હસતું અને અડધું રીસભર્યું મુખ રાખી કુસુમ બોલી, અને મદનલાલની જોડે એક સૉફા ઉપર બેઠી.

'આ તો ચોર કોટવાલને દંડે છે !' મદનલાલ બોલ્યા.