પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નઠારો વિચારઃ ૧૪૭
 

વાત સાંભળવા તે થોભત નહિ, પરંતુ વાતમાં સનાતનનું નામ આવવાથી તેની જિજ્ઞાસા જાગૃત થઈ. મિલ સાથે, મિલમજૂરો સાથે સનાતનને શો સંબંધ? એણે કેમ અને કેવી રીતે મજૂરોને રોક્યા? એ જાણવાનું તેને મન થયું. સનાતનનાં નામમાં તેને એવો જાદુ લાગ્યો હતો કે એ નામ જ્યાં ઉચ્ચારાતું હોય ત્યાંથી જવાનું તેને મન થતું નહિ.

'ચાલ, હવે તારી સાથે વાત કરું. મને ફુરસદ છે.' તરછોડાયલા હાથને ન ગણકારી મદનલાલ બોલ્યા.

'મારે એવી છાંડેલી ફુરસદ નથી જોઈતી.' કુસુમ કહ્યું.

'અરે એમ શું કરે છે? આ તારા માસ્તર તો બહુ કાબેલ જણાય છે.' શેઠે કહ્યું.

'એની કાબેલિયતને તમારે શું કરવી છે ? એ તો બિચારો નિર્ધન માણસ ! કાબેલ હોય તોય તમારો પગારદાર ને ?' શેઠના અભિમાનને જખમ કરે એવી વાણીમાં કુસુમે કહ્યું.

'ના, ના. એમ કહેવાય ? એણે તો આજે લાજ રાખી છે. મેં તો એની સાથે કદી લાંબી વાત પણ કરી નથી. પણ હોશિયાર લાગે છે. પગાર લઈ વફાદારી બતાવવી એ આ સમયમાં મુશ્કેલ છે. પણ મને હજી સમજ પડતી નથી કે એણે મિલમજૂરોને કેવી રીતે સમજાવ્યા ? એ ક્યાં રહે છે ?' મદનલાલે પૂછ્યું.

'એમને બોલાવવા છે ?' સનાતનનાં વખાણ સાંભળી કુસુમે માર્દવ ધારણ કરી પૂછ્યું.

'હા, એના વગર અત્યારે ચાલે એમ નથી.'

'મોટર મોકલીએ.'

‘ડ્રાઈવર ઘર જાણે છે ?'

'હં... .. કાલે જ હું એમને મોટરમાં ઘેર મૂકી આવી હતી.'

મદનલાલે ઘંટડી વગાડી. નોકર આવતાં તેમણે બાઈસાહેબના શૉફરને બોલાવવા ફરમાન કર્યું. શૉફર આવતાં તેને હુકમ મળ્યો :

'બાઈસાહેબના માસ્તરને બોલાવી લાવ.'

સલામ કરી શૉફર ચાલ્યો ગયો.

મદનલાલે મોટી જબરજસ્ત બીડી કાઢી સળગાવી મોંમાં મૂકી ઓરડામાં ફરવા માંડ્યું.

કુસુમ મદનલાલની સ્થૂલતા જોઈ રહી. મદનલાલની સફાઈદાર પણ સ્થૂલતા, અને સનાતનની સાદી છતાં ચપળતાનો તફાવત કુસુમના