પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮: પત્રલાલસા
 


તે વાતને બાર વર્ષ થઈ ગયાં. બાર વર્ષમાં દીનાનાથના જીવનમાં અજબ પરિવર્તન થઈ ગયું. તે રાયના રંક થઈ ગયા. એ રંક અવસ્થાની હાડમારી વખત જતાં વધારે વધારે અનુભવવા લાગ્યા. હવે માત્ર નંદકુંવરમાં તેમનું સુખ હતું અને મંજરીમાં તેમનો આનંદ હતો. ચિતરંજન ઘણી વખત યાદ આવતો. તેનાથી મળતો વિનોદ હજી પણ સંભારીને કુટુંબ ઘડી આનંદ કરતું, મિલકત વેચી તે દિવસથી દીનાનાથે પોતાની સિતારનો સ્પર્શ પણ કર્યો ન હતો, માત્ર સંગીતનો અતિશય નાદ હોવાથી નાની મંજરીને તેઓ હવે ઈશ્વરસ્તુતિનાં ગીતો શીખવાડતા. રહીસહી જમીનમાંથી જે કાંઈ ઉત્પન્ન આવતું એમાંથી ગુજરાન ચાલતું. એટલામાં કેમ પૂરું થતું તે માત્ર નંદકુંવર જ જાણતાં.

આજે એકલા પડી જવાથી દીનાનાથ વિચારે ચડ્યા હતા. ગત વર્ષોનાં ચિત્રોની પરંપરા તેમની દ્રષ્ટિ આગળ ખડી થયે જતી હતી. હીંચકે ઝૂલવાથી તરંગોને બળ મળતું હતું. મંજરી બારીએ બેસી કાંઈ ભરતી હતી. મંજરીનો વિચાર આવતાં તેઓ અતિશય દુઃખી થઈ ગયા, અને એટલામાં બાર વર્ષથી વિખૂટો પડેલો મિત્ર આવી મળ્યો. તેમના આનંદનો પાર રહ્યો નહિ.

નંદકુંવર પણ બહાર ગયાં હતાં તે આવી પહોંચ્યાં અને ચારે જણ મળી વાતોએ ચઢ્યાં. મંજરીએ રસોઈ કરી રાખેલી હતી, પરંતુ વાતમાં ને વાતમાં જમવાની ઉતાવળ કોઈને હતી નહિ.

‘હજી આખા ગામનાં માંદાંની માવજત તમે જ કરો છો કે શું ?'

ચિતરંજને નંદકુંવરને પૂછ્યું. 'માણસ તો આટલો પૈસાદાર છે પછી બોલાવે ડૉક્ટરને કે પરિચારિકાને ! તમારે આ ઉમરે હવે આટલી મહેનત શું કામ લેવી પડે ?'

'શું કરું, ભાઈ !' નંદકુંવરે જવાબ વાળ્યો. ‘વ્યોમેશચંદ્રની વહુને ક્ષય થયો છે. બધાંએ આશા છોડી છે. મારા વગર એ બાઈ રહેતી નથી. રાત દહાડો રડ્યા કરે છે. હું જઈને ધીરજ આપું છું ત્યારે કાંઈક તેનો આત્મા પ્રફુલ્લ રહે છે. એને તો મારું વ્યસન જ લાગ્યું છે.'

'લાગે, કેમ ન લાગે !' કટાક્ષમાં ચિતરંજને કહ્યું, 'તમારાં જેવાં મફતનાં મા મળતાં હોય તો લાવો ને હુંયે માંદો પડું !'

દીનાનાથ હસ્યા. 'ચિતરંજન ! તું દુનિયામાં આટલું બધું ફર્યો છતાં દુનિયાના લોકો તરફ તને કદી સદ્દભાવ કેમ ન થયો ?'

'હું જેમ દુનિયામાં વધારે ફરું છું તેમ મારી વિશેષ ખાતરી થતી જાય છે કે લોકો સ્વાર્થી જ છે. સ્વાર્થી જનસમાજ તરફ મને કેમ સદ્ભાવ