પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજૂરી:૧૫૧
 

આટલાં વરસથી તમે આપણી મિલમાં કામ કરો, અને પછી આવું તોફાન ચાલવા દો એ કેવું ?'

'સાહેબ ! હવે બુઢ્ઢાઓનું કોણ સાંભળે છે ? આપણા વખત ગયા. ઠીક છે, આપને પ્રતાપે આજ સુધી આબરૂ રહી છે. આજ તો હડતાલ નહિ પડે.'

‘વારુ, તમે બેસો. મેનેજર હમણાં આવશે. તે, તમે અને આપણા માસ્તર ત્રણ મળીને કાલે શો જવાબ આપવો તેનો વિચાર કરી મને જણાવો.' કહી મદનલાલ બીજા ઓરડામાં ગયા. કુસુમે થોડી વાર બેસી મિસ્ત્રીની સાથે વાત કરતા સનાતનને સાંભળ્યો. એટલામાં મેનેજર આવ્યા, એટલે કુસુમ પણ ઓરડાની બહાર ગઈ.

ત્રણે જણે વાતચીત શરૂ કરી. મૂડીવાદનો જગતે સ્વીકાર કર્યો છે એ ખરું, તથાપિ તેમાં રહેલી ભયંકરતા પણ જગતે ઝાંખી ઝાંખી જોઈ છે. ધનને અતિ મહત્ત્વ ન આપવા ફિલસૂફો અને સંતોએ વારંવાર ચેતવણી આપી છે ધનની અતિશયતા ઉપર અંકુશ મૂકવા માટે કુટુંબ, ન્યાય, સમાજ અને રાજ્ય દ્વારા સમાજયોજકોએ કંઈ કંઈ રિવાજો અને ધારાઓ ઘડ્યા છે. ધનમાં સૌનો ભાગ છે એવી ઝાંખી ભાવનાએ દાન-સખાવતના માર્ગો રચી આપ્યા છે. ધનનો ઘમંડ ટાળવા ધન અને ધનવાનોની કડક ટીકા કરતો બુદ્ધિમાનોનો વર્ગ પણ સમાજે રચ્યો છે. છતાં ધનનો ધમંડ કમી થતો નથી. તે સંતો અને ભક્તોના બકવાદને હસી કાઢે છે; રિવાજો, ધારાઓ અને રાજ્યોને તે પોતાનાં કવચ બનાવી લે છે, બુદ્ધિમાનોને તે ખિસ્સામાં રાખે છે, અને ધનરહિતોના શ્રમ ઉપર પોતાની જાહોજલાલીના સુવર્ણશોભિત અને રત્નમંડિત મિનારાઓ ઊભા કર્યે જ જાય છે. પાશ્ચિમાત્ય યંત્રશોધને તો ધનને સર્વશક્તિમાન પ્રભુનું સ્થાન આપી દીધું, અરે એ સ્થાનને શેષની ફેણમાં જડી લીધું.

પરંતુ જરૂર પડે સ્થિરમૂર્તિ શેષનાગ પણ ફણા હલાવે છે, સ્થિરતાને પારા સરખી ચલ બનાવી દે છે, અને વજ્રથી ઘડાયલાં તખ્તો અને મિનારાઓને ક્ષણભરમાં જમીનદોસ્ત કરી દે છે. શેષ હવે સળવળ્યો છે એ તો સહુ કોઈ જોઈ શકે એમ છે. પરંતુ ધનભાર હળવો કરવાની પ્રબળ ઈચ્છા કોઈને થતી નથી. ધનની પિરામિડ અમર છે એમ માની ધનિકો તેના ઉપર માળ ચણ્યે જાય છે.

સમાજરચનામાં રસ લેતા બુદ્ધિમાનો ગૂંચવાય છે. ધનનો મહેલ તોડી નાખવો કે એ મહેલના ઓરડાઓની માલિકી વહેંચી નાખવી એ બે મહાપ્રશ્નો વચ્ચે સમાજશાસ્ત્રીઓ અથડાય છે. તેનો લાભ કચરાયેલી