પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સમુદ્ર સ્નાન

હાંરે લહરી બહેની તું ધીમે ધીમે વાજે.
હાંરે તારા સાગરનાં ગાન ગંભીર ગાજે.
નાનાલાલ

કુસુમે આવતાં બરોબર કહ્યું :

'સનાતન ! તમે બધું કરજો; પણ આ વેપારીની વાતમાં ન પડશો.'

સનાતનને સમજ ન પડી. તેની યોજનાથી કુસુમ કે મદનલાલ નાખુશ થયાં હોય એમ જણાતું નહોતું. વળી કુસુમ હસતી હસતી બોલતી હતી. તેણે કહ્યું :

‘એમ કેમ ? આ જમાનામાં વેપારીની વાત પહેલી જાણવી જોઈએ.’

'બીજું બધું ઘણુંયે જાણો છો. આટલું નહિ જાણો તો નહિ ચાલે ?' કુસુમે હસવું ચાલુ રાખ્યું.

‘પણ હું તો જાણું છું એનું કેમ ?'

'જાણતા હો તો ભૂલી જાઓ. તમને એ દીપતું નથી.'

'દીપતું નથી ? એનું કાંઈ કારણ ?'

'કારણ એટલું જ કે મને એ ગમતું નથી. તમારું મુખ અને તમારી વાણી એવાં સુંદર છે કે મજૂરી, હડતાલ, પૈસો, નફો, તોટો, આડતિયા, દલાલ : એવા એવા શુષ્ક કઠોર શબ્દો તમારા મુખમાં બહુ વિચિત્ર લાગે છે. એ કોઈ કદરૂપા વ્યાપારી માટે રહેવા દો.' કુસુમે કારણ બતાવ્યું.

સનાતનને આ કારણ સાંભળી હસવું આવ્યું. પરંતુ કુસુમના બોલવામાં કાંઈ સત્ય રહેલું હતું એમ પણ એને લાગ્યું. વિચારનો દેહ વાણી. વિચારમાં જીવન રહેલું છે, અને એ જીવન શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. વિચારની સ્વચ્છતા-અસ્વચ્છતા વાણીમાં ઊતરી આવે છે, અને માનવ દેહની માફક શબ્દોને પણ ગમતું અણગમતું સ્વરૂપ આપે છે. અમુક કક્ષાના સંસ્કારને અમુક ઢબની શબ્દરચના જરાય રુચતી નથી. કલાપી કે નાનાલાલના વાચન પછી પાર્થિવ ભાષા બોલવાને પણ યોગ્ય રહેતી નથી. પરંતુ જગત પ્રત્યે ક્ષણ ક્યાં કવિતામય રહી શકે છે ? પામર મનુષ્યને