પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ઃ પત્રલાલસા
 

કવિત્વવિરોધી વિચાર પણ કરવા પડે છે. એટલે જીવનની વિચિત્ર ઘટના તેને કઠોર, અપ્રિય, અરસિક શબ્દો ઉચ્ચારવા પ્રેરે છે.

'ઠીક ત્યારે. તમારી હાજરીમાં એવા એવા શબ્દો હું નહિ બોલું.' સનાતને કહ્યું.

‘ત્યારે હવે શું શરૂ કરશો ?' કુસુમે પૂછ્યું. તે પોતાના અભ્યાસની વાતમાં સનાતનને દોરતી હતી.

'તમને હવે મારા શિક્ષણની જરૂર લાગે છે ?' સનાતને પૂછ્યું.

'એટલે? તમારે નાસી છૂટવું છે, ખરું ?'

'ના ના, એમ નહિ. તમને હવે મારા શિક્ષણની જરૂર જણાતી નથી. તમે એકલાં બહુ સારી રીતે સમજી શકશો.' કેટલોક સમય થયાં કુસુમથી ભય પામતા સનાતને કહ્યું.

'મારે તમારા શિક્ષણની જરૂર હોય કે ન હોય તો પણ તમારે અહીંથી જવાનું નથી.' કુસુમે કહ્યું.

'ચાલો ત્યારે આપણે કાંઈક વાંચીએ.'

'આજે મારે કાંઈ જ વાંચવું નથી.'

‘ત્યારે હું રજા લઉં ?'

‘શાની રજા ? મારી સાથે ફરવા આવવાનું છે.'

સનાતન સહજ કચવાયો. તે દિવસે કુસુમ સાથે મોટરમાં બેઠાનો અનુભવ તે ભૂલ્યો નહોતો. આનંદને બદલે સંકોચમાં તે અડધો થઈ ગયો હતો. કુસુમ તેનો કચવાટ સમજી ગઈ.

'સનાતન ! તમે જો આમ એક માસ મારી સાથે ફરવા આવો તો એક દસકો વહેલા ઘરડા થઈ જાઓ, ખરું ?' કુસુમે તેના સંકોચની મશ્કરી કરી.

સનાતનને જવાબ જડ્યો નહિ. અડધાં વાક્યો વિચિત્ર રીતે બોલ્યો :

'ના, ના.... હું નવીન ઢબમાં ઊછરેલો નહિ. શહેરનું જીવન અજાણ્યું... એટલે...'

'એ કશું ચાલવાનું નથી. ઊઠો, મોટર તૈયાર છે.' કુસુમે આજ્ઞા કરી.

સ્ત્રી આજ્ઞા કરતી નથી, પરંતુ આજ્ઞા કરે ત્યારે પુરુષથી તે લોપાતી નથી. સનાતનનું કાંઈ ચાલ્યું નહિ. શિક્ષણને બદલે પર્યટનનો ક્રમ કબૂલવો પડ્યો. તેને કુસુમની સાથે મોટરમાં બેસવું પડ્યું. કુસુમની નિશ્ચલતાએ તેને ગભરાવ્યો. ધડકતે હૃદયે અને સંકોચાતાં અંગે તે કુસુમની જોડે બેઠો.

બે-ત્રણ દુકાનોમાં જઈ કુસુમે એક કલાક ગાળ્યો, અને પછી મોટર દરિયાકિનારે લઈ જવાનું તેણે કહ્યું. દરિયાકિનારાનો એકાંત ભાગ આવતાં