પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમુદ્રનાનઃ ૧૫૭
 

મોટર ઊભી રહી. કુસુમનો આ નિત્યક્રમ હતો. અહીં ઊતરી તે રેતીમાં ફરતી અને બેસતી. કવચિત્ મદનલાલ સાથે હોય તો ફરવા કરતાં બેસવાનું વધારે બનતું. તેના ચાપલ્યને થાક્યા સિવાય બેસવું ગમતું નહિ, સદ્દભાગ્યે મદનલાલ જવલ્લે જ સાથે આવતા. આજે સનાતન સાથમાં હતો. કુસુમને દરિયાનું રૂપ બદલાઈ ગયેલું લાગ્યું. રોજની માફક સુસ્તી પ્રેરતી ભૂરાશ આખા સમુદ્ર ઉપર પ્રસરી નહોતી. આજનો સૂર્ય આથમતે આથમતે તેજની લાંબી રંગબેરંગી લકીરો વડે સમુદ્રને રંગી રહ્યો હતો. ક્ષિતિજનાં ઊંડાણને અને સમુદ્રના કિનારાને તેજસાંકળથી ગૂંથી રહેલો રવિ, ચંદ્રના સરખો કવિપ્રેરક બની ગયો હતો. સંધ્યાનો સમય, આથમતા સૂર્યની રંગલીલા અને શીતળપવન એકાન્તને ઉન્માદ અર્પી રહ્યાં હતાં.

કુસુમે અને સનાતને નીચે ઊતરી રેતીમાં ફરવા માંડ્યું. પાણી હસતું હતું, ઊછળતું હતું, આવકાર આપતું હતું. એકાએક કુસુમ બોલી :

'સનાતન ! તમને તરતાં આવડે છે ?'

'હા. સાધારણ.'

'દરિયામાં તરી શકો ?'

'હા. નદીનાં પાણી કરતાં દરિયાના પાણીમાં વધારે સહેલાઈથી તરી શકાય.’

‘મને તરતાં ન શીખવો ?' કુસુમે પૂછ્યું.

કુસુમની અપરિચિત સરળતાથી સંકોચ પામી સનાતન શરમાતો શરમાતો હસ્યો.

'કેમ હસો છો ?' કુસુમે પૂછ્યું.

'મને એવું સારું નથી આવડતું કે હું બીજા કોઈને શીખવી શકું.'

'ભલે ન શીખવશો. પણ અત્યારે નાહીએ તો ?'

'અત્યારે ?'

'કેમ ? શો વાંધો છે ?'

'રાત પડી જાય.'

'રાતે બીક લાગે છે ?'

'ના, ના. પણ અંધારું થાય... શરદી લાગે...'

'આપણે જલદી નાહી લઈશું.'

'ફરી અનુકૂળ વખત જોઈ આવીએ તો કેવું?'

'હું તો અત્યારે જ નહાવાની.'

'કપડાં ક્યાં છે?' સનાતને બની શકે એટલા વાંધા રજૂ કર્યા છે.