પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮: પત્રલાલસા
 

'છે તે જ કપડાં ભલે પલળે, બીજાં હમણાં મંગાવી લઈએ.' એટલું કહી કુસુમ તાળી પાડી મોટરમાં બેઠેલા શૉફરને બોલાવ્યો, અને બીજાં કપડાં તત્કાળ ઘેરથી લઈ આવવા હુકમ કર્યો.

કુસુમે વધારે વાતચીત કે વિચાર કર્યા વગર, સનાતનની સંમતિની રાહ જોયા સિવાય પાણીમાં પ્રવેશ કર્યો. કિંમતી કપડાં પલળવાનો તેને જરાય ભય લાગ્યો નહિ. બહુ જ આનંદપૂર્વક કુસુમે પાણીમાં છબછબાટ કરવા માંડ્યો.

સનાતનને ભય લાગ્યો કે કુસુમ પાણીમાં ડૂબી જશે. તરતાં ન આવડે તોય પાણીમાં ધસવું એ ઘેલછા જ કહેવાય. કુસુમ પાણીમાં પડી ઘેલા જેવી જ બની ગઈ. તેણે ચારે પાસ પાણી ઉછાળ્યું, ડૂબકીઓ ખાધી અને ખોટું ખોટું તરવા માંડ્યું. પરંતુ એ રમતમાં તે ઊંડા પાણી તરફ જતી હતી તે સનાતને જોયું.

સનાતનથી હવે બહાર રહેવાય એમ નહોતું. કુસુમ ડૂબશે એ ધાસ્તીમાં તેણે પણ પાણીમાં પ્રવેશ કર્યો. કુસુમ પાણીમાં દોડવા લાગી.

'કેવું આવવું પડ્યું ?' હસતાં હસતાં કુસુમે કહ્યું.

'શું કરું ત્યારે ?... અરે અરે.. બહુ આગળ ન જાઓ. મોજાં મોટાં છે... તમે પડી જશો.' સનાતન દોડતી કુસુમને આમ બૂમો પાડતો હતો.

'મને પકડો જોઈએ.' કુસુમે રમત શોધી કાઢી અને આગળ દોડવા માંડ્યું. એટલે સનાતનને પણ પાછળ દોડવું પડ્યું. જેવો સનાતન કુસુમની પાસે પહોંચ્યો તેવી કુસુમે તેના મુખ ઉપર છાલક મારી. આંખમાંથી પાણી લૂછી નાખવા સનાતને હાથ ઊંચા કર્યા. પાણીમાં દેહનો રંગ વધારે ગોરો બની જાય છે. સનાતનની ખુલ્લી વિશાળ છાતી અને સ્નાયુબદ્ધ હાથ કુસુમની નજરે પડ્યા, કુસુમના હૃદયમાં - શરીરમાં એક વીજળી પસાર થઈ ગઈ.

કુસુમ સમજી કે કોઈ અવનવો ભાવ તેના હૃદયમાં પ્રગટે છે. એ ભાવને સંતાડવા - ભૂલી જવા તેણે ફરી દોડવા માંડ્યું. આખું સ્થળ નિર્જન હતું. સ્થળની નિર્જનતા, સમુદ્રની વિશાળતા અને તરંગોની ચંચળતા કુસુમના હૃદયને કોઈ અજાયબ સ્વાતંત્ર્ય આપતાં હતાં. સમુદ્રજળ ચેતનભર્યું હતું; હસતાં, રમતાં, વગર પરવાએ ફાવે તેમ દેહને અડકતાં મોજાં કુસુમના હૃદયને પણ ઝોલે ચડાવતાં હતાં. અવનવો ભાવ ભૂલવાને બદલે વધારે તીવ્ર થયો.

'સનાતન ! આજ તો મને જરૂર તરતાં શીખવો.'