પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમુદ્રસ્નાનઃ ૧૫૯
 


‘આજ નહિ. ફરી આવશું.' સનાતને કહ્યું.

‘તમે નહિ શીખવો ત્યાં સુધી હું પાણીની બહાર નીકળીશ જ નહિ ને? જુઓ, હું મારી મેળે તરું છું.'

એટલું બોલી ગરદન સુધી પહોંચતા પાણીમાં તેણે તરવાનો ડોળ કરી હાથ ફેલાવ્યા. પરંતુ તેને ક્યાં તરતાં આવડતું હતું ? તે તરફડવા લાગી, પાણીની અંદર પેસી જવા લાગી. તેનું મસ્તક પણ પાણીમાં ડૂબી ગયું.

સનાતન ગભરાઈને તેની પાસે દોડ્યો. ડૂબકાં ખાતાં કુસુમને તેણે પકડી ઊભી કરી. ગભરાઈ ગયેલી કુસુમે મુખ બહાર આવતાં જ સનાતનને જોરથી પકડી લીધો, અને બંને હાથ તેની આસપાસ વીંટાળી દીધા.

‘હાય ! હું તો એટલી ગભરાઈ ગઈ ?' થરથરતી કુસુમ બોલી. એ થરથરાટ ડૂબવાના ભયે કે અવનવા સ્પર્શે પ્રેર્યો હતો. તેની કુસુમને જ સમજ ન પડી. પરંતુ કેટલીક ક્ષણો સુધી તેણે સનાતનને પોતાના હાથમાંથી ખસવા દીધો નહિ.

'કુસુમબહેન ! હવે ચાલો.' છેવટે સનાતન બોલ્યો.

'ના, હું નહિ આવું.'

‘આપણને કોઈ આમ દેખે તો કેવું કહેવાય ?' સનાતને ગભરાઈને વસ્તુસ્થિતિ સમજાવી.

જવાબમાં કુસુમે સમુદ્રની નિરંકુશતાનો પડઘો પાડતું હાસ્ય કર્યું.

વિશાળ એકાંતમાં એ હાસ્ય સનાતનને ચમકાવી રહ્યું.