પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : પત્રલાલસા
 

ખસેડવાની વાત તેના હૃદયને ગમે તે કારણે ખૂંચવા લાગી. કુસુમે પોતાનો વાંધો જાહેર કર્યો :

'સનાતનને આવા મેલા ધંધામાં ક્યાં નાખો છો ?'

‘એટલે ? મિલનો ધંધો મેલો છે ?' મદનલાલે હસતાં હસતાં પૂછ્યું.

'નહિ ત્યારે ?'

'મારાં અને તારાં કપડાં ત્યાં જ થાય છે.'

'અ... અને મારું વાચન એમનું એમ રહેશે તે ?'

'સનાતન તો કહેતા હતા કે હવે તું તારી મેળે બધું જોઈ શકે એમ છે.'

‘એ તો કહે. મને ન ફાવે એમના વગર. મારા લેખો બધા અધૂરા રહેશે.'

'બીજા કોઈ ગ્રેજ્યુએટને રોકીશું. એમાં શું? અને વળી સનાતન ક્યાં નાસી જવાના છે ? વખત બે વખત એમને પણ આપણે બોલાવી શકીશું.'

'એમની સાથે વાંચવું લખવું ફાવી ગયું છે અને તમે એમને બીજે કામે રોકો છો !' જરા લાડથી છણકાઈને કુસુમ બોલી. લાડનો અસરકારક ઉત્તર મદનલાલની પાસે હતો. તેમણે કહ્યું :

'તે તું જાણે અને સનાતન જાણે. આ તો સનાતનનું ભવિષ્ય સુધારવાની તક મળે છે. એ જતી કરવી હોય તો તારી મરજી.'

કુસુમની પાસે આ દલીલનો ઉત્તર ન હતો. ખટકતે હૃદયે તે બેસી રહી. સનાતન છેવટના ભાગમાં લગભગ અવાક બની ગયો હતો. આગ્રહપૂર્વક અપાતા ચૅકમાં તેને મુલતવી રહેતી શક્યતા એકદમ ઊઘડતી લાગી. શહેરનું નામ સાંભળતાં મંજરીની હૃદયસ્થ પ્રતિમામાં પ્રકાશ ઊઘડતો લાગ્યો. અને પોતાને જવાની યોજના સાંભળતાં તેનાં સ્વપ્ન સિદ્ધ થતાં લાગ્યાં.

હવે તે પત્ર કેમ ન લખી શકે ? દસ હજારની રકમ તેના હાથમાં આવી હતી અને મિલઉદ્યોગમાં સારું સ્થાન મળે એવી કોઈ અસ્પષ્ટ યોજના તકદીર ઘડતું હતું. મંજરીનું પોષણ કરવાની શક્તિ તેનામાં આવી ગયેલી દેખાઈ. જીવનની પ્રથમ ધનપ્રાપ્તિ મંજરીને જ નામે મૂકવાનો તેણે નિશ્ચય કર્યો. પછી એ કુલીન કન્યાને લગ્ન ભારરૂપ ન જ થઈ પડે. ત્યાં જતાં જ મંજરી મળશે, અને.. તે પોતાની થશે. એ કુમળા વિચારે સનાતનનું હૃદય ધબકી ઊઠ્યું.

મદનલાલને અને કુસુમને સમજ ન પડે એવી સરળતાથી અને ઝડપથી સનાતને મદનલાલની યોજના સ્વીકારી લીધી. શહેરના નામ