પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮: પત્રલાલસા
 

મંજરીને તે ભૂલ્યો ન હતો. તેને માત્ર એક તફાવત લાગ્યો : પ્રથમ કરતાં મંજરી વધારે સુંદર દેખાતી હતી. પણ એ અહીં ક્યાંથી ? તેના મનમાં અકારણ ધ્રાસકો પડ્યો. દીનાનાથ અને વ્યોમેશચંદ્રનો સંબંધ તે જાણતો હતો. કદાચ બધાંની સાથે પોતાને અહીં મળવા આવી હોય ! પોતે લખેલા કાગળનો મંજરીએ આવી હાજરી દ્વારા જવાબ આપ્યો હોય એમ જ તેને સંભવ લાગ્યો. મંજરી પ્રત્યક્ષ મળશે ત્યારે ? સનાતને બારીએ ઊભેલી મંજરી સામે જોયું. મંજરીએ સનાતન સામે જોયું. બંનેની આંખો મળી. આંખો મળતાં બંનેના હૃદયમાં કોઈ અવનવી વીજળી પ્રગટી.

મંજરી અંદર જતી રહી. સનાતન સાવધ થયો. ક્ષણ બે ક્ષણમાં બની ગયેલા આ અતિમહત્ત્વના બનાવનું મહત્ત્વ બીજા કોઈને દેખાયું નહિ. કોઈનું ધ્યાન પણ આ દ્રષ્ટિમિલનમાં દોરાયું નહિ. નોકર સનાતનને ઘરમાં લઈ ગયો. કેટલાક નોકરો સનાતનને ઓળખતા હતા. તેમણે સનાતનની ખબર પૂછી. મંજરીના જ ખ્યાલમાં ઊંડા ઊતરી ગયેલા સનાતનને ભાન આવ્યું કે ઘરના માલિક વ્યોમેશચંદ્રને તે હજી મળ્યો નહોતો, તેમ તેમની ખબર પણ તેણે પૂછી ન હતી. પોતાની તહેનાતમાં રોકાયેલા એક નોકરને સનાતને કહ્યું :

'મારા આવ્યાની વ્યોમેશચંદ્રને ખબર આપશો ?'

‘સાહેબ જાણે છે.' નોકરે કહ્યું.

‘ત્યારે મને સાહેબની પાસે લઈ જાઓ.’

'સાહેબ તો નથી.'

'ક્યાં ગયા છે ?‘

'ગામડે એકાએક જવું પડ્યું.'

'ક્યારે આવશે ?'

'કાલ પરમ આવી જશે.'

'મારે એટલું વધારે રહેવું પડશે.'

‘તેમાં હરકત શી છે? બાઈસાહેબ ઘરમાં છે. આપને જરાય અડચણ પડવા નહિ દે.'

'વ્યોમેશચંદ્ર ફરી પરણ્યા કે શું ? હું હતો તેવામાં જ તેમનાં પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં.'

'આપને શાની ખબર હોય ? આપની જોડમાં જ દીનાનાથભાઈ રહેતા હતા ને...' નોકરે વાક્ય હજી પૂરું કર્યું નહોતું એટલામાં તો સનાતનને ભાલાનો ઘા થયો હોય એમ લાગ્યું. તેને ભાસ થયો કે તેની શુદ્ધિ