પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦: પત્રલાલસા
 

આંખ ઉઘાડી. ચારે પાસ નિરાધારપણું તેણે નિહાળ્યું. તેણે બેસવા પ્રયત્ન કર્યો. પરંતુ તેને લાગ્યું કે તેનાથી બેસી શકાશે નહિ. બેસવા માટે તેને કાંઈ આધાર જોઈતો હતો.

એકાએક તેણે ઓરડાની મધ્યમાં હીંચકો દીઠો. આધાર આપવા તે સનાતનને આવકારી રહ્યો હતો. હીંચકો એ પીડિતોનું આશ્રયસ્થાન છે. સનાતન બાથોડિયાં ભરી હીંચકે બેઠો, અને શૂન્યપણામાંથી વેદનામાં જાગ્રત થતા મનને અને શરીરને તેણે ધીમે ધીમે ઝોલે ચડાવ્યું. ઝોલે ચઢેલું મન તેની આંખને બારીએ ઊભેલી મંજરીની મૂર્તિ જ બતાવ્યા કરતું હતું. ખરેખર મંજરી જ આવીને સામે ઊભી રહી હોય એવો તેના ઝૂલતા હૃદયને ત્રણ-ચાર વખત ભાસ થયો. એ ભાસ થતાં જ તે હીંચકો અટકાવતો, અને ઓરડાની સામે આવેલા બારણામાં તાકીને જોઈ રહેતો. ક્ષણ, બે ક્ષણ, પાંચ ક્ષણ એમ જોઈ રહી કોઈ નથી એવી ખાતરી થતાં નિસાસો નાખી તે ફરી હીંચકાને પગ વડે હલાવતો.

ઘડિયાળમાં બારના ટકોરા થયા. સનાતનને સમજાયું કે મધરાત થતી હતી. તેને સૂવાની જરાય ઈચ્છા ન હતી, મંજરીની યાદ આપતું હીંચકાનું મધુરું ઘેન તેને પલંગ કરતાં વધારે શાંતિદાયક લાગ્યું. પરંતુ એ ઘેન મંજરીની માત્ર યાદ આપતું હતું ? કે મંજરીનાં પ્રત્યક્ષ દર્શન કરાવતું હતું ? મંજરી નિહાળ્યાનો ફરી પાછો ભાસ તેને કેમ થયો? એ મોહક ભાસ નિરર્થક હતો એમ તે જાણતો હતો. છતાં બારણામાં દેખાતી મંજરીની આકૃતિને તાકીને જોઈ રહ્યો. એ આકૃતિ આ વખતે સ્થિર કેમ લાગી ? તે કેમ ખસતી ન હતી ? શું કલ્પના ઘટ્ટ બની સ્થૂલ રૂપ લઈ શકે છે ?

આંખની ઇન્દ્રજાળ ખસેડવા સનાતને દ્રષ્ટિ ફેરવી ઓરડાને નિહાળ્યો અને તેની આંખ મંજરી સિવાયની વસ્તુઓ જોઈ શકે છે એવી ખાતરી થતાં તેણે ફરી બારણા તરફ જોયું. ખરે, મંજરી ત્યાં ઊભેલી દેખાતી જ હતી ! તેણે હીંચકો ખાવો બંધ કર્યો અને પોતાનું સમગ્ર ભાન દ્રષ્ટિમાં એકત્રિત કર્યું. બારણામાં ઊભેલી પ્રતિમા મંજરી જ હતી એમ તેની ખાતરી થઈ. તેણે બોલવાની ઈચ્છા કરી. તેની વાચા બંધ થયેલી લાગી ! દોડીને મંજરી પાસે જવાની તેને ઉત્કંઠા થઈ. તેના પગ જ્યાં ને ત્યાં ચોંટી ગયેલા લાગ્યા. મંજરીને તે કેમ બોલાવી શકે ? કયા હક્કથી તે મંજરી પાસે દોડીને જાય ? મંજરી તો વ્યોમેશચંદ્રની પત્ની હતી !

મંજરીને પત્ર લખવાનું તેણે કરેલું સાહસ કેવું બાલિશ હતું ? મંજરી આસપાસ પોતાનું જીવનસ્વપ્ન રચવાની ધૃષ્ટતામાં કેવી મૂખઈ હતી ? અણસમજની અસ્પષ્ટ અલ્પ વાત ઉપર આધાર રાખી મંજરી આજ સુધી