પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્પૃશ્ય મિલન: ૧૭૧
 

તેને ચાહતી બેસી રહી હશે એમ ધારવામાં તેણે કેવું અનુભવ - શૈથિલ્ય બતાવ્યું હતું ? તે નીચું જોઈ રહ્યો. મંજરીને પત્ર લખ્યાનો તેને પશ્ચાત્તાપ થયો. પ્રથમના ભ્રમની માફક આ વખત પણ મંજરીનું દ્રશ્ય ભ્રમ હોય એમ તે ઇચ્છવા લાગ્યો. નીચું જોયે મંજરીનું દ્રશ્ય જાણે અદ્રશ્ય થઈ જશે એવી તેને આશા ઊપજી.

પરંતુ નીચી નમાવેલી દૃષ્ટિને પળ ભાસ થયો કે બારણામાં ઊભેલી પ્રતિમા તેની નજીક આવતી હતી. એ ખરું કે ખોટું તેની ખાતરી કરવા તેણે આંખ ઉઘાડી, અને મંજરી તેની સામે - તેની બહુ નજીક આવી ઊભેલી દેખાઈ. મંજરીની આંખમાં તેજબિંદુ તેને દેખાયાં.

શું બોલવું તેની સનાતનને સમજ પડી નહિ. મંજરી પણ અવાક્ હતી. માત્ર તેની આંખમાં અટકી રહેલાં તેજબિંદુ બહાર નીકળવા મથતાં હતાં. સનાતનને સ્ત્રી સન્મુખ ઊભા થવાનો વિવેક પણ આ વખતે ના સાંભર્યા. વગર વિચાર્યું તેનાથી બોલાઈ ગયું :

'કેમ છે ?'

મંજરીએ કશો ઉત્તર આપ્યો નહિ. સનાતનને ઓળખતી જ બાધ પડી હોય તો તે મધરાતે આવે શા માટે ? છતાં તેનાથી પુછાઈ ગયું :

‘મને ઓળખો છો ને? ભૂલી તો નથી ગયાં ?'

જવાબમાં માત્ર મંજરીની આંખમાં ભરાઈ રહેલાં તેજબિંદુ આંસુરૂપે ગાલ ઉપર ઢળી પડ્યાં.

'મને કશી જ ખબર નહોતી – અહીં આવ્યો ત્યાં સુધી.' સનાતને કહ્યું. ઊભરાતાં આંસુને લુગડાના છેડા વડે લૂછવાની ક્રિયાથી મંજરીએ સનાતનના અજાણપણાનો ઉત્તર વાળ્યો. કઈ બાબતની ખબર વિષે સનાતન અજાણપણું દર્શાવતો હતો તે મંજરી સમજી શકી હતી.

'પત્ર લખવાની મેં ખરેખર ભૂલ કરી. હું માફી માગું છું.' અબોલ મંજરીને સનાતને કહ્યું.

મંજરીની પત્રલાલસા પૂરી થઈ હતી - તે જ દિવસે. પરંતુ તેની પ્રેમવાંછના અધૂરી જ હતી ને ? તેનાથી હવે રહેવાયું નહિ. તેના બળતા હૃદયમાંથી વ્યંગ વાક્યમાં જવાબ ઊતર્યો :

'તમે માફી માગી બચી શકો છો.'

સનાતનને સમજ ન પડી. પરાઈ પત્ની શું કહેવા માગે છે તે તેને સ્પષ્ટ થયું નહિ. તેણે સ્પષ્ટતા માગવા પૂછ્યું :

'એટલે ?'