પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગજગ્રાહઃ ૧૭૭
 

માતા છે - પછી એ માલિકી જમીનની હોય કે સ્ત્રીની હોય. વ્યક્તિગત માલિકી નાબૂદ થાય તો દીવાની ફોજદારી કાયદાઓનો મોટો ભાગ નિરપયોગી બની રહે, અને માનવી ગુનો અને સજા તેમ જ અદાલત-વકીલોની ભયંકર ચુંગાલમાંથી ઊગરી જાય.

વ્યોમેશચંદ્રના હિતચિંતક ખેડૂતોમાંથી કોઈ કોઈએ તેમને ચેતવણી આપી હતી. પરંતુ એક કુશળ, બહાદુર અને અનુભવી જમીનદાર તરીકે તેમને ખેડૂતોના ભયંકર નિશ્ચયનો જરાય ડર લાગ્યો નહિ. મોટા જમીનદારો અને વ્યાપારીઓને એવી ધમકી બીજાઓ મારફત સાંભળવા નિત્ય પ્રસંગો આવે છે. એ ધમકીઓને માની તેમનાથી ડરી જવાની નામર્દાઈ બતાવનારથી મિલકતની વ્યવસ્થા થઈ શકે નહિ. તેમણે ગામડે જઈ બીજા ખેડૂતોને જમીન આપવા નિશ્ચય કર્યો. મૂળના તોફાની ખેડૂતોની ઉપરવટ થઈ બીજા ખેડૂતો જમીન રાખવા તૈયાર થયા નહોતા. કેટલાક પ્રયત્ન પછી પરગામના ખેડૂતોએ જમીન રાખવા કબૂલ કર્યું હતું, એટલે ગામડે જઈ પોતાનો દાબ બેસાડી પોતાના ધાર્યા ખેડૂતોને જમીન આપવાની સામાન્ય ક્રિયા વ્યોમેશચંદ્રને કરવાની હતી. તે કરવાનો તેણે નિશ્ચય કર્યો હતો. મિલ કાઢવાના કામે આવનાર પ્રતિનિધિને રોકીને પણ આ કાર્ય કરવાની જરૂર તેમને દેખાઈ હતી. એટલે સનાતન આવવાનો હતો છતાં વ્યોમેશચંદ્ર ગામડે જવા તૈયાર થયા, અને પોતાનાં માણસોને આગળ મોકલી એકલા ઘોડા ઉપર તેઓ ગામડે જવા નીકળ્યા.

સંધ્યાકાળ થતાં તેઓ પોતાના એક ગામડામાં આવ્યા. ત્યાંના ખેડૂતોએ પોતાના જમીનદારને ખૂબ માન આપ્યું. ખેડૂતોની સાથે તેમનાં સુખદુઃખની વાત કરી તેમને મેળવી લેવાનો પ્રયત્ન કરતાં વ્યોમેશચંદ્રને એ ગામમાં ખૂબ વાર થઈ ગઈ. રાત્રે ત્યાં જ રહેવાનો આગ્રહ ગામડિયાઓએ કર્યો છતાં તેઓ બીજે ગામ જવા સજ્જ થયા. સાથમાં બે વરતણિયા લઈ લીધા.

ગામને સીમાડે પહોંચતાં પહેલાં એક ઝાડીમાંથી બુકાની બાંધેલા પાંચ-સાત માણસો ડાંગ અને ધારિયા સાથે નીકળી આવ્યા. વરતણિયા ચેત્યા. તેમણે ગામની આણ દીધી.

'હરામખોરો ! જો આગળ વધ્યા તો કાલે જીવતા બાળી મૂકશું.' એક વરતણિયાએ કહ્યું.

'કાલની વાત કાલ. આજ તો અમારો દાવ છે.' ટોળીનો આગેવાન બોલ્યો. ડાંગ ઉપાડી ટોળું આગળ વધી આવ્યું.

'‘સાહેબ ! ઘોડો મારી મૂકો.' બીજા વરતણિયાએ કહ્યું.