પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : પત્રલાલસા
 


વ્યોમેશચંદ્ર હવે હરતાફરતા થયા. મંજરીને પાસે લઈ હીંચકે બેસવાની પણ તેમણે શરૂઆત કરી; તેમનું જીવન મંજરીમય થઈ ગયું હતું. તેઓ ક્વચિત્ પૂછતા :

'મંજરી ! તું મને ચાહે છે ખરી ?'

સ્નેહવાક્યો સદા નિરૂત્તર રહેતાં. વ્યોમેશચંદ્ર વિચારમાં પડતા. પરંતુ મંજરીની સ્નેહભરી સારવારનો વિચાર કરતાં તેમને મંજરીના અબોલનો સ્પષ્ટ અર્થ સમજાતો. મંજરી વ્યોમેશચંદ્રને ચાહતી ન હોય તો આટલી મહેનત કરે ખરી ?

તેમને જોવાને મદનલાલ અને તેમનાં પત્ની આવી ગયાં. સ્વાભાવિક રીતે જ સનાતન સંબંધી વાતચીત થતી હતી. મંજરીને કુસુમે સનાતન સંબંધી ઘણી વાતો પૂછી. મદનલાલ અને વ્યોમેશચંદ્ર વચ્ચે ધનિકતાની મૈત્રી હતી જ. મંજરી અને કુસુમ વચ્ચે સનાતનની વાતોમાંથી મૈત્રી જાગી.

'સનાતન શાથી ચાલ્યા ગયા ?' કુસુમે મંજરીને પૂછ્યું બંને એકલાં હતાં.

'સમજાયું નહિ.' મંજરીએ કહ્યું.

'કેવી રીતે ગયા હશે ?'

'એની પણ સમજ પડતી નથી.'

‘તમે ક્યાંથી એમને ઓળખો ?'

'એ મારી પાસેના ઘરમાં રહી ભણ્યા હતા. તમે એમને ક્યાંથી ઓળખો ?'

'એ મને સાહિત્યનો અભ્યાસ કરાવતા હતા.'

સનાતન પ્રત્યે આ લલનાઓને શા માટે સદ્ભાવ હતો તેનું કારણ બંને સમજી ગયાં. સનાતન મંજરીની પડોશમાં અને કુસુમની પાસે રહેતો હતો ! મંજરીની બહેનપણીએ એક શેઠની પત્ની સાથેની સનાતનની મૈત્રી વગોવી હતી તેનું મંજરીને સ્મરણ થયું. શું આ જ તે સ્ત્રી હતી ? મંજરીને કુસુમ પ્રત્યે વેર વસ્યું નહિ. સનાતનમાં રસ લેતું સહુ કોઈ વહાલું લાગતું.

સનાતનના અદ્રશ્ય થયા પછી બાર માસમાં તો કુસુમે પોતાની લેખનપ્રવૃત્તિ ઘણી જ વધારી દીધી. તેની કલ્પનાએ ટૂંકી વાર્તાઓ અને ભાવનાએ કંઈક કવિતાઓ તેની પાસે રચાવી. મદનલાલને કુસુમની સાહિત્યપ્રવૃત્તિ પ્રત્યે વેર ઊપસ્યું નહિ. પત્નીનાં સાહિત્યકારોમાં થતાં વખાણથી તેઓ રાજી થતાં એટલું જ નહિ કુસુમની કવિતાઓ છપાવવા માટે તેમણે સહર્ષ સંમતિ આપી અને કુસુમનો કવિતાસંગ્રહ સનાતનને