પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરાલ નિશ્ચયઃ ૧૮૩
 

અર્પણ થયો તેની પણ તેમને બહુ હરકત લાગી નહિ.

પરંતુ કુસુમે પોતાનો કવિતાસંગ્રહ મંજરીને ભેટ મોકલ્યો ત્યારે પ્રતિઉત્તરમાં તેણે જાણ્યું કે મંજરીની તબિયત ખરાબ થતી ચાલી હતી. વ્યોમેશચંદ્રની પ્રકૃતિ જેમ જેમ સુધરતી ગઈ તેમ તેમ મંજરીના દેહમાં અશક્તિ વધતી ચાલી. લોકોને લાગ્યું કે વ્યોમેશચંદ્રની ચાકરીમાં મંજરીએ પોતાના દેહને ઘસી નાખ્યો હતો. એ વાત ખરી હતી. વ્યોમેશચંદ્ર મંજરીને નામે હજારો રૂપિયા મૂક્યા, તેને માટે ઘરેણાંલૂગડાં નવાં વસાવ્યાં. તેને દેશપરદેશની મુસાફરી કરાવવા ઈચ્છા પ્રદર્શિત કરી, પરંતુ મંજરીનું મન કદી પ્રફુલ્લ બન્યું દેખાતું નહિ.

અસ્વસ્થતાપણાનું બહાનું કાઢી અલગ બની જતી મંજરી ઉપર સાજા થયેલ વ્યોમેશચંદ્ર છેવટનો ઉપાય અજમાવવા નિશ્ચય કર્યો. પતિપત્નીના કેટલાક અનામી પરંતુ સ્પષ્ટ હક્ક સમાજે અને કાયદાએ માન્યા છે. અને એ હક્કનો ઉપભોગ બળજરીથી કરવાની પણ તેમાં છૂટ રાખેલી છે. વ્યોમેશચંદ્રના અસંતુષ્ટ મને પતિત્વના હક્ક સ્થાપન કરવા તેમને પ્રેર્યા.

દુખતે માથે એકલી સૂતેલી મંજરી પાસે મધરાતે વ્યોમેશચંદ્ર આવ્યા. મંજરી એવી જ એક મધરાતની યાદ કરતી જાગતી પડી હતી. એ મધરાતે તે સનાતનની સાથે વિકળતામાં ગાળેલી પેલી રાત્રિ હતી કે જ્યારે મંજરીએ સનાતન સાથે નાસી જવાની ભયંકર માગણી કરી હતી. વ્યોમેશચંદ્રને જોઈ મંજરી બેઠી થઈ ગઈ.

‘તું હજી સૂતી નથી ?' મંજરીના ખાટલામાં બેસી વ્યોમેશચંદ્રે પૂછ્યું.

'ના.' મંજરીએ ધીમેથી જવાબ આપ્યો.

'કેમ ?'

'હજી ઊંઘ આવી નથી.'

'શાથી એમ થાય છે ?'

'મારું માથું દુખે છે.'

'લાવ હું દબાવી આપું.' કહી વ્યોમેશચંદે તેના માથાનો સ્પર્શ કર્યો.

'હવે જરૂર નથી. લક્ષ્મી હમણાં જ માથું દબાવી ગઈ.' હસ્તસ્પર્શ થતો અટકાવી મંજરી બોલી.

'હું લક્ષ્મી કરતાં પણ ગયો? ચાલ, હવે બધું અતડાપણું મૂકી દે. મારી આટલી આટલી ચાકરી તેં કરી અને હું તારું માથું પણ ન દબાવી શકું ?' એટલું કહી બળ કરી મંજરીનું મસ્તક વ્યોમેશચંદ્રે હાથમાં લીધું અને તેને