પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ : પત્રલાલસા
 

દબાવવાનું શરૂ કર્યું, બળને વશ થઈ મંજરી તકિયે આડી પડી અને વ્યોમેશચંદ્રની શીર્ષચંપીને સ્વીકારી રહી. સ્ત્રીના દેહને અડતાં પુરુષ ઘેલો બને છે. બહુ દિવસે આટલો લાંબો સ્પર્શ પામતા વ્યોમેશચંદ્રથી મસ્તકની મર્યાદામાં રહેવાયું નહિ. મંજરી ચમકીને પાછી બેઠી થઈ.

'હવે બસ માથું ઊતરી ગયું છે.' મંજરી બોલી.

'આ શી ઘેલછા ? માથું ઊતર્યું હોય તોય મારે દાબવું છે.'

'મને ફાવતું નથી.'

'તને ભલે ન ફાવે; મને ફાવે એટલે બસ !' વ્યોમેશચંદ્રે મશ્કરી કરી. મંજરીને આ વર્તનમાં અપમાન લાગ્યું. પતિપત્ની વચ્ચેના વ્યવહારમાં માન અપમાન હોઈ શકે ? મંજરીએ વ્યોમેશચંદ્રના હાથને ખસેડી નાખ્યો.

'આજે કશું તોફાન ચાલવાનું નથી.' સાજા થયેલા વ્યોમેશચંદ્ર બોલ્યા. મંજરી આ વાક્યનો અર્થ કરી સહજ કંપી ઊઠી. વ્યોમેશચંદ્ર મંજરીને તોફાનની ના કહ્યા છતાં તેમણે પોતે તોફાની દેખાવ શરૂ કર્યો હતો. મંજરીને ગળે તેમણે હાથ મૂક્યો અને પૂછ્યું :

'મંજરી ! ક્યાં સુધી આમ શરમાઈશ ?'

મંજરી ખરેખર શરમાઈ. એટલું જ નહિ, તેને રીસ ચઢી. જોર કરી તેણે વ્યોમેશચંદ્રનો હાથ ગળેથી ખસેડવા પ્રયત્ન કર્યો. પ્રયત્નનું ફળ એ આવ્યું કે વ્યોમેશચંદ્રના તરફ ઘસડાઈ અને તેના એકને બદલે અનેક અંગનો સ્પર્શ થતો લાગ્યો. તે ગૂંગળાતી બોલી ઊઠી :

'મને મૂકી દો ! મારી તબિયત સારી નથી.'

‘તારી તબિયત આખી જિંદગી સુધી સારી નહિ રહે. તેમાં હું શું કરું ?' પુરુષવર્ગના પ્રતિનિધિને શોભે એવી બેદરકારીથી વ્યોમેશચંદ્ર બોલ્યા અને મંજરીને તેમણે વધારે ગૂંગળાવી.

'છોડો ! આમ બળાત્કાર ન કરો.' મંજરીનો ક્રુદ્ધ અવાજ સંભળાયો.

'બળાત્કાર? તું બોલે છે? તું શું મારી પત્ની નથી ?'

'પત્નીની મરજી વિરુદ્ધ જે કાંઈ થાય તે બળાત્કાર જ !'

'ભલે તેમ હોય; બળાત્કારનો મને હક્ક છે.'

‘હક્ક ! હું અને તમે બંને પાપમાં પડીશું.'

'પાપ ? શાનું પાપ ?'

‘વ્યભિચારનું.'

વ્યોમેશચંદ્ર વ્યભિચારનું નામ સાંભળી પોતાના હાથ છોડી દીધા અને આશ્ચર્ય પામી તેઓ મંજરી સામે જોવા લાગ્યા. મંજરી બહુ સુંદર