પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરાલ નિશ્ચયઃ ૧૮૫
 

દેખાતી હતી. વિરોધ કરતી લલના સદાય મોહક હોય છે. છતાં વ્યોમેશચંદ્ર સરખા નીતિમાન પુરુષને વ્યભિચાર શબ્દનો ઉચ્ચાર ચમકાવે એ સહજ હતું. પત્ની સાથેનો પ્રેમ વ્યવહાર કદી પણ વ્યભિચારને નામે ઓળખતો હોય એમ તેમણે સાંભળ્યું નહોતું. આજ તેમની જ પત્ની તેમના પ્રેમઅભિનયને કલુષિત ભાવથી ઓળખાવતી હતી. પતિપત્નીનો સંબંધ સદાય પુણ્યમય મનાયો છે. તેઓ એક જ વાત ભૂલી ગયા. પતિત્વ અને પત્નીત્વના મૂળમાં જ પુણ્ય ન હોય તો ? મરજી વિરુદ્ધનો, ન છૂટકાનો, પૈસાનો, શરમનો, દબાણનો, અજાણપણાનો, સ્વાર્થનો લગ્નસંબંધ શું પવિત્ર કહેવાય ? અને કેટલાં લગ્નમાં આ તત્ત્વો નહિ આવતાં હોય ? નિઃસ્વાર્થ લગ્નસંબંધ જગતમાં દુર્લભ છે. માટે જ મોટા ભાગનાં લગ્નો અપવિત્ર હોય છે. અપવિત્ર લગ્નનો સંબંધ વ્યભિચાર તરીકે ઓળખનારને આપણે કેમ દોષ દઈ શકીશું ?

વ્યોમેશચંદ્રને વિચારની તક મળી. દલીલ સર્વદા પોતાના લાભનું જ વલણ લે છે. વ્યોમેશચંદ્રને મંજરીના ચમકાવનાર વિચારમાં અસત્ય લાગ્યું. તેઓ ફરીથી મંજરીને બલપૂર્વક ભેટી પડ્યા અને બોલ્યા :

‘ભલે મને પાપ લાગતું.'

પરંતુ વ્યોમેશચંદ્રના હાથમાં સપડાયેલો મંજરીનો દેહ થરથર ધ્રુજતો હતો એમ તેમણે તત્કાળ જાણ્યું. બલપ્રદર્શનમાં પુરુષત્વ સમાયેલું છે એવી ઘણાની માન્યતા હોય છે. સ્ત્રીત્વ ઉપર વિજય મેળવવાનો એ સચોટ ઈલાજ છે એમ પણ ઘણા માને છે. છતાં વ્યોમેશચંદ્રના પુરુષત્વમાં એટલું બધું કાઠિન્ય ન હતું કે એક થરથરતી સ્ત્રી પછી ભલે તે પત્ની હોય, તોપણ તેને તેઓ વધારે થરથરાવે. માનવતા અને કહેવાતા પુરુષત્વ વચ્ચેના ઘર્ષણનો પ્રસંગ તેમને મૂંઝવી રહ્યો. મંજરીનો દેહ થરથરતો હતો એટલું જ નહિ, પણ તેની દંતાવલિ પણ કડકડી ઊઠી. વ્યોમેશચંદ્ર પુરુષત્વને ભોગે માનવતાને સ્વીકારી મંજરીને છોડી દીધી, અને તેને પૂછ્યું :

‘મંજરી! તને તાવ તો નથી આવ્યો?'

મંજરીને થરથરવા સિવાય બીજું કશું ભાન ન હતું. યંત્રની નિયમિતતાથી વ્યોમેશચંદ્ર સામે જોઈ રહેલી મંજરી યંત્ર સરખી અચેતન બની ગઈ.

'તું સૂઈ જા. હું રજાઈ ઓઢાડું.' વ્યોમેશચંદ્રે કહ્યું, અને ધીમે રહી તેમણે મંજરીને સુવાડી અને તેના ઉપર રજાઈ ઓઢાડી. એક રજાઈથી તેનો થરકાટ કમી થયો નહિ, એટલે તેમણે બીજી રજાઈ મંજરી ઉપર નાખી. તેઓ