પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬: પત્રલાલસા
 

પલંગમાં ન બેસતાં પાસે ઊભા રહ્યા. થોડી ક્ષણો પછી તેમણે મંજરીને કપાળે હાથ મૂક્યો. એ સ્પર્શમાં સંપૂર્ણ નિર્વિકારીપણું હતું. મંજરીને જ્વર છે કે નહિ એટલું જોવાનો જ તેમાં ઉદ્દેશ હતો. પરંતુ મંજરીએ વ્યોમેશચંદ્રના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો, અત્યંત મૃદુતાથી પૂછ્યું :

'હું બહુ દુઃખ દઉં છું, ખરું ?'

મંજરીની આંખમાં બે અશ્રુબિંદુ ચમક્યાં. મંજરી અણસમજુ ન હતી. પત્નીત્વના અર્થની તેને ખબર હતી. એ અર્થ સિદ્ધ કરવા તેણે વ્યોમેશચંદ્રની કાળજીપૂર્વક ચાકરી કરી હતી. વ્યોમેશચંદ્રનાં બાળકો પ્રત્યે તે સગી મા સરખું વર્તન રાખતી હતી. પરંતુ તેનું પત્નીત્વ એટલી મર્યાદામાં જ રહેતું. ઉપભોગના તત્ત્વથી રહિત પતિપણું કે પત્ની પણું અધૂરું જ છે એમ તે માનતી અને છતાં તેનાથી મર્યાદા બહાર જઈ શકાયું જ નહિ. પતિને છેવટે નિરાશા અર્પતાં તેને દુઃખ થયું. પોતાની સંભાળમાં પરોવાયલા પતિને તેથી જ એણે રુદનમય પ્રશ્ન કર્યો :

'હું બહુ દુઃખ દઉં છું, ખરું ?'

એક રીતે તે વ્યોમેશચંદ્રને દુઃખ જ દેતી હતી. પરંતુ આવી કરુણ રીતે થતો દોષ સ્વીકાર સંપૂર્ણ ક્ષમાને પાત્ર છે. વ્યોમેશચંદ્રે જવાબ આપ્યો :

‘મને જિવાડનાર મને દુઃખ દે છે એમ કેમ કહેવાય ?'

'હું બધું સમજું છું. પણ... પણ... મને માફ કરો.'

‘હવે તું બહુ વિચાર ન કર અને સૂઈ જા. હું લક્ષ્મીને મોકલું ?' વ્યોમેશચંદ્રે પૂછ્યું.

'જરૂર નથી. હું સૂઈ રહીશ.'

‘એકલી ન સૂઈશ. કોઈક પાસે જોઈએ.'

એટલું કહી વ્યોમેશચંદ્ર ઓરડાની બહાર ગયા. એક પરાયા પુરુષની માફક વિવેકથી બહાર ચાલ્યા જતા વ્યોમેશચંદ્રની સલૂકાઈ મંજરી જોઈ રહી. તેને લાગ્યું કે તે વ્યોમેશચંદ્રને ભારે અન્યાય કરતી હતી. પરંતુ તેમાં કોનો દોષ ? એ દોષનો ઇલાજ શો ?

વ્યોમેશચંદ્રે લક્ષ્મીને ઉઠાડી પાસે મોકલી.

‘જા, મંજરીની પાસે સૂઈ રહે. એને તાવ આવ્યો છે.'

કંટાળો દેખાડતી છતાં જાગતી લક્ષ્મી વ્યોમેશચંદ્રથી સંભળાય એમ બબડી :