પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરાલ નિશ્ચયઃ ૧૮૭
 


'પેલા સાથે નાસી જવાયું હોત તો તાવ ન આવત.'

ચાડી અને નિંદામાં અમૃત મૂકી પ્રભુએ વૃત્તિને અમર બનાવી લાગે છે. વળી અમરતા સાથે અમૃતની મીઠાશ પણ તેમાં પ્રભુએ ઉતારી દેખાય છે. નિંદા કરનાર અને સાંભળનાર બંનેને તે એવી મધુરી લાગે છે કે તેની મીઠાશ મૂકવી કોઈને ગમતી નથી.

'શું બબડે છે ?' વ્યોમેશચંદ્ર બોલ્યા. તેમને લાગ્યું કે લક્ષ્મી ઊંઘની અસરમાં આમ બોલતી હતી.

'જે છે તે કહું છું.' લક્ષ્મી બોલી.

'એટલે ? શાની નાસવાની વાત કરે છે ? હલકી જાત !' વ્યોમેશચંદ્રે લક્ષ્મીને ધમકાવી. તેમની સભ્યતાએ તેમને ખાતરી આપી હતી કે આમ નાસવાની વાત હલકી જાતની સ્ત્રીઓ જ કરી શકે ! ઉચ્ચ કોમમાં નાસી જવું એ સ્ત્રીની કલ્પના બહારનો વિષય છે, એટલે તે ઉચ્ચારમાં પણ ઊતરવો અસંભવિત છે ! લક્ષ્મીનો જવાબ સાંભળી તેઓ ચોંકી ઊઠ્યા.

'એ તો બાઈસાહેબ પેલા મુંબઈવાળા મહેમાન સાથે નાસી જવાની વાત કરતાં હતાં તે કહું છું !'

'ક્યા મહેમાન ? ભાનમાં છે કે નહિ ?'

'પેલા જડતા નથી તે ! સનાતન !' લક્ષ્મી બોલતી બોલતી ત્યાંથી મંજરીના ઓરડા તરફ જવા લાગી.

વ્યોમેશચંદ્ર ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહ્યા. તેમને મંજરીના વિચિત્ર વર્તનની કાંઈ સમજ પડતી હોય એમ લાગ્યું. શું મંજરી સનાતનને ચાહતી હતી? એવું જ કાંઈ ન હોય તો મંજરી જેવી સમજવાળી ડહાપણભરી યુવતી પોતાના પતિ પ્રત્યે આવું અણઘટતું વર્તન રાખે ?

પોતાને ચાહતી ન હોય એવી સ્ત્રી સાથે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરનાર પતિએ શું કરવું ? વર્તમાન યુગમાં એ પ્રશ્ન તીવ્ર બનતો જાય છે. એવી પત્નીને મારવી, ઝૂડવી, કાઢી મૂકવી, તેનું નાક કાપવું કે તેનું ગળું કાપવું એ પ્રાચીન કાળથી ચાલતા આવેલા જાણીતા ઇલાજ બહાદુર પુરુષને એકદમ સૂઝી આવે છે એ ખરું, પરંતુ વર્તમાન યુગમાં બહાદુરીની વ્યાખ્યા બદલાતી જાય છે. મારવા કરતાં મરવામાં, ઘા કરવા કરતાં ઘા સહન કરવામાં વધારે ઊંચા પ્રકારની બહાદુરી રહેલી છે એવી અસ્પષ્ટ ભાવના જનસમાજમાં જાગતી જાય છે. પતિપત્નીના સંબંધમાં પણ એ ભાવના પ્રવેશ કરે તો નવાઈ કહેવાય નહિ. વ્યોમેશચંદ્રની સ્વાભાવિક સજ્જનતાએ તેમને અશિષ્ટ બનતાં અટકાવ્યા. અને સવારમાં મંજરીને