પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પડછાયાઃ ૧૯૧
 

એટલામાં પવનના સુસવાટાથી આજુબાજુનાં વૃક્ષો હાલી ઊઠ્યાં. નાવે બીજે ઝોલો ખાધો, અને તેની સાથે જ પવનનું બળ એકાએક વધી ગયું. હોડી ઝૂલવા લાગી. ખલાસીઓ ઉતાવળથી પરસ્પરને સૂચનો આપવા લાગ્યા. ગ્રામોફોન બંધ થઈ ગયું.

'સમાલો !' 'ખેંચી રાખ !' 'દોરડું છોડ !' 'સુકાન પર હાથ રાખ !' 'હે રામ !' વગેરે શબ્દો નદીમાંથી સંભળાવા લાગ્યા. જોકે પવનનો ઘુઘવાટ બધા જ શબ્દોને સંભળાવા દેતો ન હતો.

કોઈ જબરજસ્ત વંટોળિયો ઘેલા હાથીની માફક છૂટો થઈ તેના માર્ગમાં આવતી સઘળી વસ્તુઓને હચમચાવી મૂકતો હતો. ભેખડ ઉપર ઊભેલો એક પુરુષ નિત્યની માફક અત્યારે પણ હોડી તરફ જોતો હતો. હોડી અસ્થિર બનેલી જોતાં તે એક ક્ષણમાં નીચે ઊતરી આવ્યો, અને કિનારે લાંગરેલી એક ખુલ્લી હોડીને લઈ પાણીમાં આગળ વધ્યો. જોતજોતામાં તે પેલી ડામાડોળ થતી હોડીની નજીક આવી પહોંચ્યો.

'ભાઈ જરા જોજો, એક દોરડું ફેંકો.' એક ખલાસી બોલ્યો.

'કેમ ? આગળ જવાનો વિચાર છે ?' ભેખડેથી ઊતરી હોડી લાવેલા પુરુષે પૂછ્યું.

'બને તો આ બધાંને મુકામે પહોંચાડીએ.'

'બેવકૂફ ! જોતો નથી ? હોડી ક્યાંથી આગળ વધશે ? બધાંને ડુબાવવાં છે, શું ?'

'ત્યારે શું કરું ?'

‘સામી ભેખડે ઉતારીએ.' અજાણ્યા પુરુષે કહ્યું.

'મહામંથન કરી ખલાસીઓએ યુવક અને તેની હોડીની સહાય વડે ડામાડોળ થતી મોટી નાવને કિનારે અડકાડી. વંટોળિયો ઘૂમતો હતો. એટલું નહિ, તેની સહાયમાં વરસાદને પણ ખેંચતો હતો.

‘અલ્યા ઘેમર ! આટલાં વરસથી નદી ખેડો છો, અને વંટોળિયામાં આગળ હોડી ન લેવાય એ ભૂલી ગયા ?' અજાણ્યા યુવકે એક ખલાસીને ઓળખી કહ્યું.

‘ભાઈ ! અમે પહોંચાડતા મુકામે. પણ આ હોડી નવી જાતની તે અમને ફાવશે નહિ. નહિ તો ગમે તેવું વાવાઝોડું હોય ને !' ઘેમરે કહ્યું.

'હવે બધાંને ધીમે રહીને ઉતાર અને વરસાદ વધે તે પહેલાં ધર્મશાળામાં બધાંને પહોંચાડ.' યુવકનો અવાજ સંભળાયો.

'એ જ ઠીક પડશે; બીજી જગા નથી.' કહી ખલાસીએ બીજા