પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : પત્રલાલસા
 

ખલાસીઓની સહાય વડે બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને કિનારે ઉતાર્યા. છેવટે એક માંદી સ્ત્રીને સ્ટ્રેચર-ખાટલામાં સુવાડી સંભાળથી ઉતારવી પડી. તેને ઊંચકી બે માણસો આગળ ચાલ્યા. તેની સાથે જ એક યુવતી આગળ ચાલવા લાગી. અંધકાર હતો છતાં તે યુવતીએ પેલા યુવકને ઓળખ્યો, અને તેનાથી પુછાઈ ગયું :

'કોણ ? સનાતન?'

ખાટલામાં સૂતેલી માંદી યુવતીએ પોતાનું ડોકું ઊંચક્યું.

'બહુ હાલશો નહિ.' એક ઊંચકનારે કહ્યું.

સનાતને પોતાને બોલાવનાર સ્ત્રીનો કંઠ ઓળખ્યો; તે કુસુમ હતી, માંદી સ્ત્રી પણ તેણે ઓળખી; તે મંજરી હતી.

તેણે કુસુમના પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ. માત્ર પોતાના મુખ ઉપર લૂગડું ફેરવી નદી અને વરસાદનાં પાણીના લાગેલા છાંટા તેણે લૂછવા માંડ્યા.

'સનાતન !' કુસુમે ફરી સંબોધન કર્યું. પરંતુ તેનો કશો ઉત્તર મળ્યો નહિ. ટોળામાંથી ખસી બાજુએ ઊભેલા સનાતનને એક ખલાસીએ બૂમ પાડી :

'ભાઈ ! આપને બોલાવે છે !'

'તમે જાઓ. હું આવું છું, હોડી ગોઠવીને.'

વરસાદ અને વંટોળિયાના ભયે સહુ ઉતાવળાં જતાં હતાં. માત્ર સનાતન વધતા જતા અંધકારમાં ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહ્યો. તેના વસ્ત્રની માફક તેનું હૈયું પણ અત્યારે હાલી ઊઠ્યું હતું. જેમને તે છોડવા ઈચ્છતો હતો તે અણધાર્યાં સામે જ આવી ઊભાં હતાં ! એક વખત તે મંજરીને છોડી અદ્રશ્ય થઈ ગયો હતો. શા માટે ?

ઘાયલ વ્યોમેશચંદ્રના હાથમાં રહેલો મંજરીનો હાથ, વ્યોમેશચંદ્રની વ્યાકુળ પરાધીનતા, ને મંજરીના હૃદયમાં પ્રેમ કરતાં પણ વધારે પ્રબળપણે પ્રગટેલી સેવાભાવના તે દિવસે સનાતને નિહાળી, અને તેને લાગ્યું કે એ પતિ પત્નીના જીવનમાં તેણે ક્ષણ પણ ઊભા રહેવું એ પાપ છે. વ્યોમેશચંદ્રના લગ્નને સ્વીકારી શકેલી મંજરી વ્યોમેશચંદ્રની સારવાર સ્વીકારતી હતી. સનાતન તેમના જીવનમાંથી જ અદ્રશ્ય થઈ જાય તો મંજરી પોતાના જીવનને સરળતાથી સ્વીકારતી બની જાય એવો પૂર્ણ સંભવ હતો. એક વંટોળિયાની માફક કોઈના જીવનમાં પ્રવેશ કરી એ જીવનને વેરણછેરણ કરી ચાલ્યા જવાનો તેને જરાય હક્ક ન હતો. તેણે પોતાના