પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પડછાયાઃ ૧૯૩
 

હૃદયને પથ્થર બનાવી દીધું, અને કોઈને કશી જ ખબર ન પડે એમ તે અંધકારમાં ઘર બહાર ચાલી નીકળ્યો.

ક્યાં જવું તેની એને ખબર ન હતી, શું કરવું તેની એને ખબર ન હતી; મંજરીના જીવનમાંથી જેટલે દૂર ચાલ્યા જવાય એટલે દૂર જવાની તેનામાં સબળ વૃત્તિ જાગ્રત થઈ હતી. ડગલાં ભરવાથી દૂર જવાય એમ તે ધારતો હતો. તેણે ખૂબ ડગલાં ભર્યાં. તેની પાછળ કોઈ આવતું હતું તેની પણ તેને ખબર રહી નહિ. પાછળ આવતો માણસ કંટાળ્યો, અને ઝડપથી ડગલાં ભરી તેણે સનાતનને ખભે હાથ મૂક્યો. સનાતને ચમકીને પાછળ જોયું. તે વસતીની બહાર નીકળી ગયો હતો. તેના ખભા ઉપર હાથ મૂકનાર માણસે તેને પૂછ્યું :

'ક્યાં જશો ?'

અવાજ અને આકૃતિ ઉપરથી તે પુરુષ તેને સહજ પરિચિત લાગ્યો.

'થાક ન લાગે ત્યાં સુધી તમે કોણ છો ?' સનાતનથી પેલા માણસને પૂરો ઓળખી શકાયો નહિ.

‘મને ન ઓળખ્યો? તમને છરો વગાડ્યો હતો તે.'

'રફીક ! તું અહીં ક્યાંથી ?'

'આપની પાછળ આવ્યો.'

'કેમ ?'

‘ચિતરંજને મોકલ્યો.'

'એ ક્યાં છે?' ગામમાં જ. એમના મિત્રને મળવા આવ્યા છે.'

'પણ તું ચિતરંજન સાથે ક્યાંથી ?'

'હું તેમની જોડે જ હવે રહું છું.'

'શું કામ કરે છે ?'

'જે કામ એ બતાવે છે. અત્યારે તમને સાથે લઈ જવાનું કામ સોંપ્યું છે.'

'હું ન આવું તો?'

'તો ઊંચકીને લઈ જઈશ.' પ્રચંડ રફીક હસતે હસતે બોલ્યો. આ મશ્કરી તે ખરી પાડે એવો તેનો દેખાવ હતો જ.

ચિતરંજન પાસે જવાનું સનાતનને મન થયું. નિરાશા ઉત્પન્ન થાય ત્યારે પોતાની પાસે આવવાનું તેમનું કાયમનું આમંત્રણ હતું. સનાતન પાછો ફર્યો. તેના હૃદયમાં નિરાશા જ હતી. આથી વધારે અંધકારમય