પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : પત્રલાલસા
 

પણ દર્દીને રહેતો નથી. મંજરીએ કહ્યું :

'મને તેની ચિંતા નથી.'

'તમારે કશી જ ચિંતા ન રાખવી.'

'મને એક જ ચિંતા છે.' એટલું કહી મંજરીએ આંખ મીંચી. તેને ભારે થાક લાગ્યો જણાતો હતો. આટલી વાતચીત પણ તેના દેહને શ્રમિત બનાવતી હતી. જરા રહી તેણે આંખ ઉઘાડી. તેની આંખમાં અમાનુષી વિકળતા ઊભરાઈ આવી. તેણે સનાતનને કહ્યું :

'એક વાત પૂછું?'

'તમને થાક લાગશે.'

'હવે નહિ લાગે. થોડું જ પૂછીશ.'

'કહો, શું છે ?'

‘હું... જાઉં ત્યારે... પત્ર લખશો ને ?'

'જરૂર.'

'ક્યાં લખશો ?'

'તમે જ્યાં હશો ત્યાં.'

'જો જો... ફરી ભૂલ ન થાય...'

'હું ખાતરી આપું છું.'

મંજરીના મુખ ઉપર સ્મિત છવાયું. તેની આંખ હસી ઊઠી. પરંતુ એ સ્મિત કેમ સ્થિર હતું ? એ હસી ઊઠેલી આંખો કેમ પલક મારતી ન હતી ?

'અરે ! અરે ! જુઓ, બહેનને કાંઈ થયું !' લક્ષ્મી દૂરથી બોલી ઊઠી.

સહુ દોડીને ખાટલા પાસે આવ્યાં.

'મંજરી !' વ્યોમેશચંદ્રે બૂમ પાડી.

મંજરીની આંખ હસતી જ હતી.

'મંજરી ! મંજરી !' રડતે સાદે વ્યોમેશચંદ્ર ફરી બૂમ મારી ઊઠ્યા.

મંજરીએ જવાબ ન આપ્યો. સ્મિત એ તેનો જગતને - જગતનાં સર્વ સ્નેહીઓને છેલ્લો જવાબ હતો. તેને તેનો સનાતન પત્ર પાઠવશે એ આશા તેના જીવનની છેલ્લી ક્ષણ હતી. આશામાં પ્રસન્નતા અનુભવતા મંજરીનો આત્મા તેના મુખને સ્મિતથી રંગી દેહ છોડી ઊડી ગયો. ક્યાં? કોણ જાણે !

આખી ધર્મશાળા રડી ઊઠી. કિનારો રડી ઊઠ્યો. ન રડ્યો માત્ર સનાતન. તે વિરાગને કેળવતો હતો. જગતના સંબંધથી તે પર જવા મથતો