પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પડછાયાઃ ૧૯૯
 

હતો. મંજરીના દેહને તેણે ચિતામાં સળગતો જોયો. તેનું હૃદયકાઠિન્ય તેને અવિકળ રાખી શક્યું.

તે જ વખતે લક્ષ્મી એક પત્ર લઈને દોડતી આવી.

'શું છે ?' કોઈએ પૂછ્યું.

‘આ કાગળ બહેનની સાથે જ રાખવાનો છે.' રડતી લક્ષ્મીએ કહ્યું.

'કેમ ?'

'એવી એમની ઇચ્છા હતી.'

'જોઉં, શાનો કાગળ છે ?' સનાતને પૂછ્યું.

લક્ષ્મીએ તેના હાથમાં પત્ર મૂક્યો. સનાતનના હાથના અક્ષર તેની ઉપર હતા. ‘કાંઈ જોવાની જરૂર નથી. એની ઈચ્છા પ્રમાણે એ પત્ર એની સાથે જ રાખો.' વ્યોમેશચંદ્ર બોલ્યા.

સનાતને એ પત્ર ચિતામાં મૂકી દીધો. દેહ સાથે બળી ઊઠતા પત્રે પણ તેના હૃદયને હલાવ્યું નહિ. હૃદય ઉપર આજ તેણે વજ્રભાર મૂકવાનો સંકલ્પ કર્યો હતો.

સંધ્યાકાળે સનાતન નદીની કરાડે એકલો બેઠો બેઠો લાંબા લાંબા વૃક્ષપડછાયા પાણીમાં વિસ્તરતા જોતો હતો. માનવ જીવન સત્ય હશે, કે કોઈ અનંત જીવનનો એ બેડોળ પડછાયો માત્ર હશે ?

'શું કરો છો ?' પાછળથી એક બાલસ્વરે સનાતનને વિચારમાંથી જાગ્રત કર્યો. નાનકડી વેલી તેની પાસે ઊભી હતી.

'કાંઈ નહિ. બેઠો છું.' સનાતને કહ્યું.

'ખોટું ! કંઈ શોધો છો.’ વેલીએ કહ્યું.

'શોધ્યે કશું જ જડતું નથી.'

'જુઠા હું જાણું છું ને !'

'શું?'

'તમે મંજરીબહેનને જુઓ છો.'

'હવે મંજરી જોયે દેખાય એમ નથી.'

'ખોટું ! હું દેખું છું ને?'

'કેવી રીતે ?'

'કોઈને કહો નહિ તો બતાવું.'

'નહિ કહું.'

'આંખો મીંચો પછી મંજરીબહેન દેખાય છે કે નહિ તે કહો.'