પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાનદાનીઃ ૧૭
 

તે દીનાનાથ કળી શક્યો નહિ.

'એવું શું કહેવાનું છે ?' દીનાનાથે પૂછ્યું.

‘તું ચમકે નહિ તો જણાવું.' ચિતરંજને કહ્યું.

'ચમકવા જેવું હોય તો ચમકું પણ ખરો.'

‘તો ભલે, ચમકવાને હરકત નથી; હું તને પકડી રાખીશ, પણ મારું વચન ઉથાપે નહિ તો જ કહું.' ચિતરંજને પહેલેથી વચનમાં બાંધવાની તજવીજ કરી.

'અરે પણ એવું શું છે ?' દીનાનાથની ગૂંચવણ વધતાં તેણે પૂછ્યું.

'હું દુઃખમાં જ કદાચ હોઉં તો તું છોડાવે ખરો ?' ચિતરંજને પૂછ્યું.

'જરૂર. મારાથી બને તેટલું હું કરું જ.'

'શાબાશ ! ત્યારે મારી ખાતરી છે કે તું મારો મિત્ર મટ્યો નથી.'

ચિતરંજને દીનાનાથને ચઢાવવા માંડ્યો. હું તારો દેવાદાર છું તેની તને ખબર તો છે ને ?'

દીનાનાથ ને શક ગયો બાર વર્ષ ઉપર ચિતરંજનને આપેલા દસ હજાર રૂપિયાની સ્મૃતિ થઈ. તેના ગૃહસ્થ હ્રદયને આ સ્મૃતિ ગમી નહિ; તે સંબંધી સહજ પણ ઉલ્લેખ થાય એ તેને રુચ્યું નહિ.

'હશે તેની પંચાત શી છે ? અત્યારે તારે શી મદદ જોઈએ એ જ કહે ને ?'

'મારે હવે ખરી મદદ શોધવાનો સમય આવ્યો છે. તેં મને દસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા, નહિ ?' ચિતરંજને કહ્યું.

'જા જા, હવે એ વાતને મારે શું કરવી છે ?' દીનાનાથે તિરસ્કારથી એ વાતને બંધ કરવા સૂચના કરી. આ તિરસ્કાર એટલો સ્વાભાવિક અને અકૃત્રિમ હતો કે ચિતરંજન જેવા ફરંદા માણસને પણ આ ગરીબ મિત્રની ખાનદાની ઉપર પ્રેમ આવ્યો. તેણે મનમાં સિદ્ધાન્ત રટ્યો કે આવા જ માણસો દુઃખી થાય છે.

‘તારે નહિ પણ મારે વાત છે.' ચિતરંજને કહ્યું. હું એક માગણી કરવા આવ્યો છું.'

'બનશે તેટલી સગવડ હું કરી આપીશ. પાછું કાંઈ રખડવા જવાનો વિચાર છે ? કેટલા જોઈએ ?' દીનાનાથે કહ્યું.

ચિતરંજન હસી પડ્યો. 'ઓ ભલા માણસ, સાંભળ તો ખરો? મેં તો બહુયે પ્રયત્ન કર્યો, પરંતુ તેમાંથી એક પણ પાઈ વરી નથી. એ પૈસા હું પાછા મૂકવા આવ્યો છું.'