પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : પત્ર લાલસા
 

દીનાનાથ ખરેખરો ચમક્યો. તેણે મોં ફેરવ્યું, અણગમો સ્પષ્ટ બતાવ્યો અને વાંધો રજૂ કર્યો કે 'પાછા લેવાને એ પૈસા આપેલા નહોતા.'

‘તે હું ક્યાં કહું છું ?' ચિતરંજને કહ્યું, ‘પરંતુ મારે મારી થાપણ સલામત જગાએ મૂકવી જોઈએ ને ?'

‘તું શું મારા ઉપર ઉપકાર કરવાને આવ્યો છે ?' દીનાનાથ હવે ગુસ્સે થયા. 'તારી યુક્તિ હું ન સમજું એવો બાળક નથી. મારા ઉપર દયા કરવા તું આવ્યો છે ?'

'અરે ભાઈ ! દયા તો તારે કરવાની છે!' ચિતરંજને કહ્યું. પૈસો મારો, પણ તે તું સુરક્ષિત રીતે રાખીશ કે નહિ ? મારે ઘર નથી, કુટુંબ નથી, મિત્ર નથી - તારા સિવાય. માટે હું એ દસ હજાર અહીં મૂકવા આવ્યો છું.'

અકસ્માત કોઈ માણસે આવી નંદકુંવરને બૂમ પાડી. બૂમ પાડી તે માણસ ઉપર આવ્યો. દીનાનાથે પૂછ્યું : 'શું કામ છે ?'

તેણે કહ્યું : 'જાગીરદાર સાહેબનાં પત્ની બેભાન થઈ ગયાં છે, અને નંદકુંવરબહેનને બધાં ત્યાં બોલાવે છે.'

'કોણ, વ્યોમેશચંદ્રનાં પત્ની ?' દીનાનાથે પૂછ્યું.

'હા જી.'

'એ બિચારી બચે એમ નથી.'