પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહનું સ્વપ્ન

એક જ્વાલા જલે તુજ નેનનમાં
રસજ્યોત નિહાળી નમું હું નમું !
એક વીજ ઝલે નભમંડલમાં
રસજ્યોતિ નિહાળી નમું હું નમું !
નાનાલાલ

સનાતનને પણ ઊંઘ નહોતી આવી. પરીક્ષાની ચિંતા એવી જાતની છે એમ માની મનનું સમાધાન કરવા તેણે પ્રયત્ન કર્યો. પરંતુ ચિંતાની મુખ કરમાવતી અસર તેને થઈ નહોતી. જાગ્યાનો થાક તેને જણાયો નહિ. ઊલટી પ્રફુલ્લપણાની લાગણીથી તેનું મન અને શરીર હલકાં લાગતાં હતાં. મંજરીનો વિચાર ઘડી ઘડી કેમ આવતો હતો ? તેનું ગીત જાણે ઘડી ઘડી ફૂટી નીકળતું હોય એમ કેમ થતું હતું ? તેની આસપાસ એક આછું સુંદર અને વિવિધરંગી માનસિક વાતાવરણ બંધાવા માંડ્યું. અને આ ગંભીર છોકરાના મુખ ઉપર ન સમજાય એવા કોઈ સ્મિતની રેખાઓ દોરાવા લાગી. શું મંજરીની દ્રષ્ટિએ આ ફેરફાર કર્યો ?

મંજરીને સુખી કરવાના વિચારથી જ આ બધું થયું. પારકાનું દુઃખ ટાળવું એ શા માટે પુણ્ય ગણાય છે તે આજે સનાતનને સમજાયું. બીજાને સુખી કરવાનો વિચાર જ આટલી સ્ફૂર્તિ આણી દે તો પછી સુખ પ્રાપ્ત કરાવ્યાનો આનંદ કેટલો થાય તેનો સનાતન વિચાર કરવા લાગ્યો. માત્ર એક જ વિચાર એણે ન કર્યો કે મંજરીને જ સુખી કરવા તે કેમ ઉત્સુક થયો હતો ? જગતમાં ઘણાંય દુખિયાં વસે છે ! અને એકલી મંજરીનું જ દુઃખ કેમ ટાળવું પડે છે એ પ્રશ્ન એને સૂઝ્યો નહિ.

સનાતનનાં માતાપિતા તેને નાનો મૂકી ગત થયાં હતાં. તેનો પિતા એક સારી આશા આપતો યુવક હોઈ, વિદ્વત્તા મેળવી નાની ઉંમરમાં સારી પાયરીએ પહોંચ્યો હતો. પરંતુ સનાતનને માતા-પિતાની દૃષ્ટિ નીચે ઊછરવાનું લખાયું નહોતું. જોતજોતામાં તેનો કાળ થયો, અને તેના શોકમાં ઝૂરતી તેની પત્નીએ પણ થોડા સમયમાં તેની પાછળ પ્રયાણ કર્યું. બાલક સનાતન માબાપ વગરનો થયો. તેના કાકાએ તેને ઉછેર્યો. તેની સ્થિતિ