પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ : પત્ર લાલસા
 

અતિશય સામાન્ય હતી. નાની સરકારી નોકરીથી શરૂઆત કરી તે જેમ તેમ કરી આગળ વધ્યો હતો. પરંતુ અતિશય સ્પષ્ટવક્તાપણું અને પ્રામાણિકતાનો આશ્રય લીધેલો હોવાથી તેની જોઈએ તેવી ચઢતી થઈ નહિ. બાલક સનાતન તરફ તેને અને તેની પત્નીને અપૂર્વ લાગણી હતી, અને તેમને કંઈ જ સંતાન ન હોવાથી સનાતન તરફ તેમનું વાત્સલ્ય વહ્યે ગયું. ચાલુ જમાનામાં ભણ્યા સિવાય બીજો રસ્તો નથી એમ તેમની માન્યતા દ્રઢ થઈ ગઈ હતી. અને તે માન્યતા પ્રમાણે સનાતનના વિદ્યાભ્યાસ તરફ તેમણે ઘણી જ કાળજી રાખી.

પરિણામે ચાલાક સનાતન ભણવામાં ઘણો જ આગળ વધ્યો. વીસ વર્ષની ઉંમરે હવે તે વિદ્યાલયની છેલ્લી પરીક્ષા માટે તૈયારી કરતો હતો, અને તેના શિક્ષકોએ તેમ જ મિત્રોએ તેને માટે મોટી મોટી આશાઓ બાંધવા માંડી.

એ આશાઓ ખોટી નહોતી. હાઈસ્કૂલ અને કૉલેજમાંની શિષ્યવૃત્તિઓ તેને જ મળતી. પારિતોષિકો પણ તેને જ ચરણે પડતાં અને સારી સ્થિતિનાં માબાપો પોતાના છોકરાંના અભ્યાસ માટે પણ એને જ રોકતાં. તેનું ભણતર તેના કાકાને બોજરૂપ ન થતાં ઊલટું સહાયરૂપ થઈ પડ્યું. મોજશોખ માટે તેને વખત નહોતો અને સાધન પણ નહોતું. અને જે કાંઈ સમય મળતો તેમાં શરીર કસવા માટે તે પ્રયત્નશીલ રહેતો. કસરત એ ભણતર કરતાં પણ વધારે ઉપયોગી કેળવણી છે એમ નાનપણથી તેના કાકાએ તેને શીખવ્યું હતું.

કૉલેજમાં કેટલીક બાલાઓ ભણતી હતી. સનાતનની સરલતા સામાને આકર્ષતી, પરંતુ તેની જાતનું તે રક્ષણ કરતી.

છતાં એ બધી બાલિકાઓને મૂકી તેને મંજરીનો વિચાર કેમ આજે આવ્યા કરતો હતો ?

તે વારંવાર જાળી તરફ જોયા કરતો હતો. એ જ જાળીમાંથી એણે રાત્રે દીનાનાથને ટહૂકો કરી તેના ભયંકર વિચારોમાંથી બચાવ્યો હતો.

તુલસીની પૂજા કરવા રોજ મંજરી અગાસીમાં આવતી હતી. સનાતનને આજ સુધી એમાં કાંઈ જ લાગ્યું નહોતું. પરંતુ આજે? આજે તો એ પ્રસંગનું મહત્ત્વ ઘણું વધી ગયું. 'મંજરી ક્યારે પૂજા કરવા અગાસીમાં આવશે ?... આજે કેમ એને વાર લાગી ?.. પેલા ડોસાએ એને વાતોમાં રોકી રાખી હશે.’ આમ સનાતનને મંજરીની કાળજી થવા લાગી.

પારકી છોકરી એનું નિત્યકામ કરશે યા નહિ કરે તેમાં આટલી બધી પંચાત સનાતને શા માટે કરવી જોઈએ ? તુલસીપૂજાનું ફળ સનાતનને