પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : પત્ર લાલસા
 

- કહો કે મંજરી સાથે તેને ઓળખાણ ગઈ કાલે જ થયું હતું. શા માટે તેનો લાભ લઈ મંજરી સાથે તે બોલી ન શકે ?

'મંજરી ! મને પાસ થવા નથી દેવો, ખરું ?' સનાતને હિંમત કરી પૂછ્યું. બોલતાં બોલતાં જાણે તે પોતે સ્વપ્નસૃષ્ટિમાં હોય એમ તેને ભાસ થયો.

મંજરી પણ સ્વપ્નાવસ્થામાં હોય એમ બોલી :

'શા માટે નહિ ?'

મંજરીને પુરુષો સાથે બોલવાની ટેવ નહોતી એમ કહી શકાય નહિ. યુવકો સાથે બોલતાં લાજવાનું તેને કારણ નહોતું. કૃત્રિમ લજ્જાનો દેખાવ કરી સામા માણસને આકર્ષવાનો તેણે કદી પ્રયત્ન કર્યો નહોતો. છતાં સરળ, નિર્દોષ અને નિર્ભય મંજરી આજે સનાતન સાથે વાત કરતાં ખરેખર સંકોચ અનુભવતી હતી.

'તમે એવું સુંદર ગાઓ છો કે ગીત સાંભળ્યા પછી મારું મન અભ્યાસમાં પરોવાતું જ નથી.' સનાતને કારણ જણાવ્યું.

'તો હું હવેથી નહિ ગાઉં !'

‘નહિ નહિ,’ સનાતન બોલી ઊઠ્યો, ‘એટલો ભારે ગુનો મેં નથી કર્યો કે જેથી આવી સખત સજા તમે કરો.'

'આપે હમણાં જ કહ્યું ને કે આપના અભ્યાસમાં હરત થાય છે !' મંજરીએ પૂછ્યું.

'હું તો હસતો હતો.' સનાતને કહ્યું. 'મારો અભ્યાસ હવે પૂરો થાય છે અને પરીક્ષામાં પસાર થઈશ એટલે હવે આવી જાતના અભ્યાસની જરૂર પણ નહિ રહે.'

'ક્યારે પરીક્ષા છે ?' મંજરીને લાગ્યું કે તે વાતે ચઢે છે છતાં તેનાથી પુછાઈ ગયું.

'ચારેક દિવસમાં.' સનાતને જવાબ આપ્યો. 'કાલે પરીક્ષા માટે જવાનો છું.'

મંજરીને આ હકીકત સાંભળવી કેમ ગમી નહિ ? સનાતન જવાનો છે એમાં એને શું ? આટલા દિવસથી તે પાડોશમાં રહેતો હતો. આજે જ કેમ સનાતનના જવાથી અણગમો આવ્યાનો ભાસ થયો ?

મંજરી અને સનાતન પરસ્પરને આકર્ષતાં હતાં !

'પાછા ક્યારે આવશો ?' મંજરીએ આર્જવભર્યા સૂરથી પૂછ્યું.