પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિતીય લગ્નની જરૂરિયાત

જરી તો શાન્ત લજ્જા ધાર !
ફૂલગુલાબી તારી ઓઢણી તેમાં છુપલી છાયા મોર !
ખાલી દૃષ્ટે પ્રેર ના એ તો મુગ્ધ હૃદયના ચોર !
હૃદયપટ તુજ પર નર્તતા !
નાનાલાલ

વ્યોમેશચંદ્ર જાગીરદારનાં પત્ની ગુજરી ગયાં. પૈસો છતાં અભિમાન ન રાખવાથી તેઓ ગામમાં અને ખાસ કરી પડોશીઓમાં પોતાને માટે સારી લાગણી ઉપજાવી શક્યા હતા. તેમના પૈસાને લીધે સરકાર દરબારમાં પણ તેમનું માન હતું. દીનાનાથને પોતાની મિલકત વેચવાનો પ્રસંગ આવ્યો ત્યારે તે મિલકત રાખવા વ્યોમેશચંદ્ર આગળ આવ્યા, અને તેથી દીનાનાથ અને વ્યોમેશચંદ્ર વચ્ચે સારો ભાવ રહ્યો હતો. તેમનાં પત્નીને પણ નંદકુંવર સિવાય ચાલે જ નહિ એવી સ્થિતિ થઈ હતી.

બે વર્ષથી વ્યોમેશચંદ્રનાં પત્ની માંદાં પડ્યા હતાં. અલબત્ત તે પહેલાં માંદાં નહોતાં થતાં એમ માનવાનું કારણ નથી. ગરીબ વર્ગ સિવાયના સર્વ વર્ગોને માંદા પડવાનો હક છે, અને તેમાંય શ્રીમંતની ગણનામાં ગણાવા માટે નબળાઈ અને માંદગીની ખાસ જરૂર પડે છે. આમાં શ્રીમંતો કે મધ્યમવર્ગના ગૃહસ્થોનો વાંક નથી શારીરિક મહેનતના પ્રસંગો ઓછા થઈ જતાં આહાર અને વિહાર તેમના જીવનમાં સામ્રાજ્ય ભોગવે છે. પરિણામ માંદગીમાં આવે છે.

વ્યોમેશચંદ્રનાં પત્નીને પણ એમ જ થયું. ત્રીસ વર્ષની ઉંમરમાં તેમનો સ્વર્ગવાસ થયો. પાછળ ચાર બાળકો મૂકેલાં હતાં અને બે બાળકો દુર્ભાગ્યે ગુજરી ગયાં હતાં. છેલ્લા એક વર્ષથી તેમને ક્ષયનો રોગ લાગુ પડ્યો. અને ડૉક્ટરોએ છેવટની વાત કહી દીધી કે તેઓ બચશે નહિ.

વ્યોમેશચંદ્રના મનને ઘણો આઘાત લાગ્યો. પત્ની તરફ તેમને મમતા હતી અને તેને બચાવવા માટે પૈસો જેટલું કરી શકે તેટલું કરવા તેમણે સહજ પણ આનાકાની કરી નહોતી. પરંતુ ડૉક્ટરોની વાણી ફળી, અને ચાળીસીમાં પ્રવેશ કરતા આ ધનાઢ્ય જાગીરદારને પત્નીવિહોણા થવું