પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬: પત્રલાલસા
 

પડ્યું.

નંદકુંવર અને દીનાનાથ વારંવાર તેમને આશ્વાસન આપતાં. ‘દુઃખનું ઓસડ દહાડા' એ કહેવત જેણે ઘડી કાઢી હશે, તેણે જનસ્વભાવને સારી રીતે પિછાન્યો લાગે છે. અલબત્ત, આ કહેવત અત્યંત ક્રૂર છે; દુઃખ સમયે તે કહેવત આશ્વાસન આપી શકતી નથી. પ્રેમી, સ્નેહી અને ભાવનાશીલ સ્ત્રીપુરુષો આ કહેવતને મિથ્યા ઠરાવવા સતયુગથી મથી રહ્યાં છે, છતાં તે કહેવત ખરી જ છે એમાં શક નથી.

વ્યોમેશચંદ્ર પત્નીના અવસાનથી અતિશય દુઃખી થઈ ગયા. તેમનું જીવન જાણે શૂન્ય થઈ ગયું હોય એમ લાગ્યું. મા વગરનાં રડતાં બાળકો દેખી તેમનું હૈયું વારંવાર ભરાઈ આવતું. ઘરમાં અણગમતું આવવાથી તેઓ વારંવાર દીનાનાથને ત્યાં જઈ બેસતા. પત્નીવિહોણા અને લક્ષ્મીવિહોણા આ બે જાગીરદારોને પોતપોતાની કથની કહેવા અને દિલાસા આપવા-લેવા આથી સારું સાધન મળ્યું.

થોડે દિવસે વ્યોમેશચંદ્રે પોતાનાં ગત પત્નીની છબી મોટી (Enlarge) કરાવી. એક પોતાના સૂવાના ખંડમાં અને એક પોતાના દીવાનખાનામાં મોખરાની જગાએ મુકાવી. પત્ની જીવતાં હતાં ત્યારે સમભાવ હતો. હવે પૂજ્યભાવ પ્રગટ્યો. એ પૂજ્યભાવને આધીન થઈ ઉત્તમ રેશમ અને હીરાના હાર ખાસ તૈયાર કરાવી પત્નીની છબીઓ ઉપર લટકાવ્યા. પત્નીની છબી તરફ તેઓ વારંવાર જોયા કરતા. અને જેટલી વાર જોતા તેટલી વાર તેમની આંખ અશ્રુથી ભરાઈ આવતી અને અંતે તેઓ એક ઊંડી હાય મારી બેસી જતા.

કેવો અપૂર્વ પ્રેમ !

લોકો આ જોઈ ચકિત થતા. આવાં પ્રેમી યુગલોને પ્રભુ કેમ વિખૂટાં પાડતો હશે ? કેટલાક ડાહ્યા, અનુભવી અને સંસારમાં ઘડાયેલા પુરુષો આને એક જાતની ઘેલછા કહેતા. 'આ વળી નવીન જમાનાનું તૂત છે. વહુની પાછળ આવી ઘેલછા કઢાતી હશે ?' આમ તેઓ ટીકા કરતા.

આજે અતિશય દુઃખિત હૃદયે વ્યોમેશચંદ્ર દીનાનાથને ઘેર આવ્યા.

મંજરીનું મુખ આજે પ્રફુલ્લ જણાતું હતું. તેની આંખમાં કાંઈ નવો ચમકાર જણાતો હતો. ચહેરા ઉપર છવાયેલી હંમેશની ગંભીરતા બદલાઈ તેને સ્થાને ચાંચલ્ય જણાતું હતું. તેના પગ ઉતાવળા ચાલતા. જ્વલ્લે જ હસતી બાલાના હોઠ ઉપર સ્મિત રમવાની તૈયારી થતી હોય એમ લાગતું હતું. સહજ વાતમાં હસી પડવા માટે મનની હલકી ફૂલ જેવી વૃત્તિ થાય છે તેવી વૃત્તિ તે આજે અનુભવતી હતી. પરંતુ તે હસી તો નહિ જ.