લખાણ પર જાઓ

પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિતીય લગ્નની જરૂરિયાત:૨૭
 


વ્યોમેશચંદ્ર સાથે તે કદી બોલતી નહિ. ઘરમાં આવી માતાપિતા સાથે વાત કરી જાય. મંજરીના ખબર પૂછે, પરંતુ મંજરીએ કદી વ્યોમેશને સંબોધન કર્યું નહોતું.

આજે તેની રીત બદલાઈ. હસતે ચહેરે તેણે વ્યોમેશને આવકાર આપ્યો અને પોતાના પિતાને ઘરમાંથી બોલાવી લાવી.

દુઃખી વ્યોમેશ સહજ નવાઈ પામ્યો. મંજરીએ તેને બોલાવ્યો તે સારું લાગ્યું. ‘છોકરીનો સ્વભાવ સારો છે !' તેમણે મનમાં વિચાર્યું. 'દેખાવડી પણ ઘણી છે !'

દીનાનાથ આવી વ્યોમેશચંદ્ર સાથે બેઠા.

'નંદુબહેન ઘરમાં નથી ?’ વ્યોમેશચંદ્ર પ્રશ્ન કર્યો.

‘આવતાં હશે હવે, જરા વાર થઈ ગયો.' દીનાનાથે જવાબ આપ્યો.

'કંઈ ગયાં હશે '

'હા, અમારી પાસે રહે છે એમનો ભત્રીજો પાસ થયો તેથી ખુશી થવા ત્યાં ગયાં છે. બહુ ઉમદા છોકરો !' દીનાનાથે જણાવ્યું.

'એ કોણ ?'

'સનાતન. એ નામમાં કાંઈ ખાસ આકર્ષણ હોય તો તે નામ ધારણ કરનાર જાણે અગર તે નામથી આકર્ષનાર વ્યક્તિ જાણે પરંતુ દીનાનાથે તેના નામનો ઉચ્ચાર કર્યો તે સાથે મંજરીએ આડું જોઈ સાળુને માથા ઉપર આગળ લાવવાનો ચાળો કર્યો. વ્યોમેશને આ સુંદર અભિનય નિહાળતાં પોતાનો પૂર્વાશ્રમ યાદ આવ્યો, પોતાની ગત પત્ની યાદ આવી, પત્નીના વિલાસ યાદ આવ્યા, અને ગત પત્ની અને જીવંત મંજરીના સૌંદર્યની તુલના તેમનાથી સહજ થઈ ગઈ.

'હા જી, એ છોકરાને જોયો પણ છે. ચાલો, ગરીબ કુટુંબને એનો આધાર મળી જશે. એના કાકાની સ્થિતિ બહુ સારી નથી.' જાગીરદારે સ્વાભાવિક રીતે જ કહ્યું. સઘન માણસોની તુલનામાં લક્ષ્મી પ્રધાનપદ ભોગવે છે. દીનાનાથે કોઈ જવાબ ન આપ્યો. મંજરીની ભમ્મરો સહજ ઊંચી થઈ. મંજરીને નિહાળતાં વ્યોમેશચંદ્રને એ ભમ્મરોમાં અલૌકિક સૌંદર્યનો નિવાસ લાગ્યો. રોજ કરતાં તેઓ આજે વધારે બેઠા. પોતાના બંગલાઓની, ગાડીઘોડાઓની, મિજલસોની, મોટા માણસોની મુલાકાતોની એમ પોતાની મહત્તા જણાઈ આવે એવી વાતો કરવા માંડી. એટલામાં નંદકુંવર આવી પહોંચ્યાં.

'સનાતનના કાકાની તો બદલી થઈ.' તેમણે આવી વધારાની