પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : પત્રલાલસા
 

માહિતી આપી. 'બહુ સારાં પાડોશી.’

મંજરીના મુખનો રંગ ઊડી ગયો. એ કુટુંબ અહીં રહેત તો સનાતન પણ આવત. હવે સનાતન શા માટે આ ગામમાં આવે ? ઉદાસ મુખ સાથે તે ઊભી થઈ ઘરમાં ગઈ. જાગીરદાર વ્યોમેશચંદ્ર પણ બહુ વારથી બેઠા હતા એટલે હવે પોતાને ઘેર જવા નીકળ્યા.

ઘેર જઈ જુએ છે તો રોજ કરતાં આજે વધારે અવ્યવસ્થા તેમણે જોઈ. છોકરાં ભૂખ્યાં સૂઈ ગયાં હતાં, પથારીઓ પણ વખતસર થઈ નહોતી. ચાકરો ભેગા મળી ગપ્પાં હાંકતા હતા અને રસોઇયો તેમનાથી સહજ દૂર બેસી મોટા કટોરામાં દૂધ પીતો હતો. ગાડીવાળાએ દારૂ પીધેલો હતો અને તેની ધૂનમાં પોતાની બૈરીને મારવા નિષ્ફળ પ્રયત્ન કરતો હતો, તેની જબરજસ્ત બૈરી તેને ખાટલા સાથે બાંધી ઉપર જાગીરદાર પાસે ફરિયાદ કરવા આવી. છોકરાને સંભાળવા માટે રાખેલી એક બાઈ છોકરાને મૂકીને ચાલી ગઈ હતી, તે કાંઈક બહાનું કાઢતી આવી પહોંચી.

વ્યોમેશચંદ્ર અકળાઈ ગયા. ‘આ તે સંસાર છે ?’ તેઓ બૂમ પાડી ઊઠ્યા. 'કોઈ કોઈને જવાબદાર જ નહિ. હું આ બધામાં ક્યાં સુધી જોયા કરું? હું એકેએક માણસને કાઢી મૂકીશ.'

આખું ઘર શાંત થઈ ગયું.

થોડીવારે બાળકોને રીતસર સુવાડી, બધી વ્યવસ્થા કરી, પેલી બાઈ જાગીરદારને જમવા બોલાવવા આવી, તેની આંખ ચમકતી હતી અને હોઠ હસતા હતા. બહુ જ લલચાઈને તેણે જાગીરદારની માફી માગી, અને પોતાના ગળાના સોગન ખાઈ જમવા આગ્રહ કર્યો.

આ બાઈ આટલી બધી ચબરાક ક્યાંથી થઈ ગઈ ? ગળાના સમ ખાવા જેટલું વહાલ વ્યોમેશ ઉપર ક્યાંથી આવ્યું? વ્યોમેશે પોતાની પત્નીની છબી તરફ જોયું. છબી હસતી લાગી. મંજરી યાદ આવી.

'હું ફરી પરણું તો?' વ્યોમેશના મનમાં પ્રશ્ન ખડો થયો.

સામેથી પત્નીની છબી હસતી હતી. પાસે પેલી બાઈ હસતી હતી. માત્ર મંજરીની મૂર્તિ ભમરો ઊંચી કરી બેઠેલી તેના જોવામાં આવી.

પ્રથમ તો તેમને આ વિચારથી શરમ ઉત્પન્ન થઈ. કેટલીવાર તેમણે પોતાની પત્નીને વચન આપ્યાં હતાં કે તેઓ કદી કાળે ફરી પરણશે નહિ ! કેટલી વાર તેમનાં પત્નીએ હસીને મશ્કરી કરી હતી કે એ વચન વાણીમાં જ રહેશે ! અને પોતાના મૃત્યુ બાદ તરત તેમને પરણવા વિચાર થશે ! તેમને લાગ્યું કે તેઓ પોતાની ગત પત્નીને અન્યાય કરે છે. 'મારે ચાર છોકરાં છે.