પૃષ્ઠ:Patra Lalsa.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દ્વિતીય લગ્નની જરૂરિયાત:૨૯
 

ફરી શા માટે પરણવું ?' તેઓએ મનમાં વિચાર્યું. પરણવાનો વિચાર કરવા જેવી નબળાઈ બતાવવા માટે તેમને પશ્ચાત્તાપ થયો.

‘લક્ષ્મી ! જા, મારે જમવું નથી.' છોકરાંને સાચવવા રાખેલી બાઈને ઉદ્દેશી તેમણે કહ્યું. પોતાને એકલા જ બેસવાની વૃત્તિ થઈ.

'હાય, હાય ! એમ રોજ શું કરો છો ? શરીર કેમ પહોંચશે?' લક્ષ્મીએ પોતાના શેઠને માટે કાળજી બતાવી.

લક્ષ્મીનો વર્ણ ગોરો નહોતો, પરંતુ તેનું શરીર ભરાવદાર હતું અને તંદુરસ્તીની ચમકથી તેનું મુખ આકર્ષક લાગતું હતું. તેના સામું જોવું કોઈને ન ગમે એમ નહોતું - બલકે તેના સામે જોવાનું કોઈને પણ મન થાય એમ હતું.

‘તું ઊંચો જીવ ન કરીશ. મહારાજને જઈને કહે કે મને દૂધ આપી જાય. જા, જઈને છોકરાં પાસે બેસ.' વ્યોમેશે જવાબ વાળ્યો.

લક્ષ્મી ગઈ. વ્યોમેશચંદ્ર પાછા વિચારમાં પડ્યા. થોડીવારમાં પાછી લક્ષ્મી દૂધ લઈને આવી. વ્યોમેશચંદ્રને લક્ષ્મીનો ડર લાગ્યો. કેમ ઘડી ઘડી આવતી હશે ? તેમને વિચાર થયો. તેનું કારણ કલ્પતાં હૃદય ધડકી ઊઠ્યું.

'રસોઇયાનું તે કાંઈ ઠેકાણું છે ? હું હતી તો આટલું દૂધ રહ્યું.' એમ બોલી પોતાનું મહત્ત્વ અને કાળજી બતાવી દૂધનો પ્યાલો તેણે વ્યોમેશના હાથમાં મૂક્યો. પ્યાલો મૂકતાં તેણે બની શકે તેટલો વ્યોમેશના હાથનો સ્પર્શ કર્યો, અને બની શકે ત્યાં સુધી સ્પર્શ જારી રાખ્યો. હસતું મુખ રાખી વ્યોમેશ ઉપર શી અસર થાય છે તે જાણવા તેણે ધારીધારીને વ્યોમેશ સામે જોયા કર્યું. વ્યોમેશને કપાળે પરસેવો વળ્યો.

દુનિયા ઘણી સારી છે એમાં શક નથી. દુનિયાનાં માણસો પણ ઘણાં સારાં છે એમાં શંકા નથી. પરંતુ સંજોગોની અસર અદ્દભુત છે. મહાત્માને તે ખૂની બનાવે છે, અને વ્યભિચારીને તે પતિતપાવન કરે છે. આટલી ઉમર વ્યતીત કર્યા છતાં વ્યોમેશચંદ્ર ઘણા જ સારા માણસ રહ્યા હતા. પુરુષો પાપમાં પ્રવૃત્ત થાય એમ તેઓ કદી માનતા નહિ ! લક્ષ્મીનું વર્તન આજે બહુ જ આશ્ચર્યજનક તેમને લાગ્યું.

'આજે તબિયત સારી નથી, ખરું?' લક્ષ્મીએ ખબર પૂછી.

'ના, એવું કાંઈ નથી.' ટૂંકાણમાં વ્યોમેશે પતાવ્યું. પાસેના દીવાને તેમણે વધારે ઝગઝગાટ કર્યો. પ્રકાશથી વધારે હિંમત આવશે એમ ધારી તેમણે તેમ કર્યું. પોતાના ડરતા મનને દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો, અને મુખ ઉપર સખ્તાઈનો ભાવ પ્રદર્શિત કર્યો.