પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : પત્રલાલસા
 

મૂકી દેવાની વૃત્તિ એટલી બધી પ્રબળ હતી કે વાગ્યાનું પણ તેને ભાન રહે એમ નહોતું.

નીચે જઈ તેણે પત્ર ઉપાડ્યો. સુંદર અક્ષરોમાં પોતાનું નામ અંકાયેલું જોયું. આવા સુંદર અક્ષરોમાં ભાગ્યે જ કોઈએ તેનું નામ લખ્યું હશે, પરબીડિયું ખોલવાની તેની હિંમત ચાલી નહિ. વખતે કોઈ જોઈ લેશે તો ? તેણે પત્રને વાળી દીધો અને કબજાના ખિસ્સામાં મૂક્યો. બીજા કાગળો પણ હતા તે પોતાના પિતાના હતા. તે ભેગા કરી ઉપર ચડી કાગળો દીનાનાથને આપી દીધા.

'કોના કોના કાગળો છે ?' દીનાનાથે પૂછ્યું.

'મેં જોયા નથી; વાંચું ?' મંજરીએ કહ્યું.

'હા, વાંચી સંભળાવ.' પિતાએ કહ્યું.

મંજરીને થયું પિતાજી ભણેલાગણેલા છે અને મારી પાસે શા માટે કાગળો વંચાવે છે ? ઘણુંખરું મંજરી જ કાગળો વાંચતી. પણ આજે તે નિત્યક્રમ ભૂલી ગઈ; અને કચવાતે મને બેઠી. કાગળો તો બધા વાંચવા પડ્યા, પરંતુ તેનો ક્યારે પાર આવશે એમ કંટાળાભરેલી વૃત્તિથી તેણે વાંચ્યા.

જેમતેમ કરી કાગળો પૂરા કરી તે પોતાની નાની ઓરડીમાં આવી. ઓરડીનું બારણું બંધ કર્યું. ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. કાગળ કાઢતાં તેનો હાથ સહજ કંપ્યો અને હૃદય ધડક્યું.

બહુ જ સાવચેતીથી તેણે લિફાફો ઉઘાડ્યો.

અંદરથી એક સો રૂપિયાની નોટ અને પત્ર બહાર આવ્યાં. તેને આશ્ચર્ય લાગ્યું. સહજ શંકા આવી અને કાગળની ગડી ઉકેલી પત્ર ધબકતે હૃદયે વાંચવા માંડ્યો.

'મંજરી,
 
મારી આજે જન્મતિથિ છે તે નિમિત્તે હું અલ્પ ભેટ મોકલું છું. ભેટ મોકલવા મેં તારા પિતાની સંમતિ લીધી છે. માટે વગર સંકોચે સ્વીકારજે, અને તને ગમે તે વસ્તુ મારા સંભારણા તરીકે તેમાંથી મંગાવજે.
લિ. વ્યોમેશચંદ્ર'
 

મંજરીને લાગ્યું કે તેના હૃદયસાગરમાં અચાનક ઓટ આવે છે. તેનો ઉત્સાહ ઓસરી ગયો. રસ ફીટી ગયો અને આનંદ ઊડી ગયો. જગત શૂન્ય ભાસવા માંડ્યું. અસહાય જીવન કોઈક અણધારી દિશામાં જ ઘસડાતું