પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રથમ ભેટઃ ૩૩
 

લાગ્યું. કેટલીક વાર સુધી ખાલી નજરે એક બાજુ તરફ જોયા કરતી તે બેસી રહી.

બારીમાંથી સહજ પવન આવ્યો અને કાગળ હાલ્યો. શૂન્યમય સ્વપ્નમાંથી ઝબકી મંજરીએ કાગળ અને નોટ હાથમાં લીધાં અને શાન્તિથી બંનેને ફાડવા લાગી. કિંમતી નોટને ચીરતાં તેને જરા પણ અસર થઈ નહિ. ઘરમાં વધારે પડતા નકામા કાગળોને જેમ જરા પણ દયા વગર ચીરી નાખવામાં આવે છે તેમ તેણે એ બંને કાગળોના ઝીણા ચૂરા કરી નાખ્યા.

‘આટલી ઉંમરે લોકો પોતાની જન્મતિથિઓ ઊજવતા ન હોય તો ન ચાલે ?' તે લવી ઊઠી. તેને ક્યાં ખબર હતી કે ઉંમર વધવાથી જિંદગીની કિંમત ઘટતી નથી ? વ્યોમેશચંદ્રની ઉંમર વધારે કહી શકાય ? એ ભલા જાગીરદારને તો ભારે અન્યાય આપતી હતી.

તે ઊભી થઈ નીચે જવા લાગી. આજે શરીરમાં કેમ અશકિત લાગે છે ? તેણે પોતાના મનથી ધાર્યું કે તેનામાં કાંઈ જોર રહ્યું નથી. છતાં તે નીચે પોતાના પિતા પાસે જવા લાગી. અધવચ તેણે વ્યોમેશચંદ્રને વાતો કરતા સાંભળ્યા. તે અટકી, મુખ ઉપર અસહ્ય કંટાળો પ્રદર્શિત કર્યો, અને પોતાની ઓરડીમાં જવા પાછી ફરી. ઝડપથી તે ઉપર ચડી ગઈ, ફરી પોતાની ઓરડીમાં દાખલ થઈ, બારણું બંધ કર્યું અને પલંગ ઉપર બેકાળજીથી પડી, અચાનક તેણે આંખો મીંચી દીધી; મીંચેલી આંખો ઉપર હાથ દાબ્યા. તેનું હૃદય પોકારી ઊઠ્યું : 'સનાતન ! સનાતન !'

તેને કોણ કહેશે કે સનાતન ક્યાં છે?

નીચેથી નંદકુંવરે બૂમ મારી : 'મંજરી ! જરા નીચે આવ ને ! વ્યોમેશચંદ્ર આવ્યા છે; તને યાદ કરે છે.'

'મારું માથું દુખે છે; હમણાં નહિ આવું !' કહી મંજરી સૂતી જ રહી.

વ્યોમેશચંદ્ર ખરેખર મંજરીને યાદ કરતા હતા. પોતે મોકલાવેલા કાગળની મંજરી ઉપર શી અસર થાય છે એ જોવાની તેમની ઇચ્છા હતી. ભલા ગણાતા માણસોની યુક્તિઓ લુચ્ચા માણસોની પ્રમાણિક લુચ્ચાઈ કરતા વધારે ગૂંચવણ ભરેલી હોય છે.

લક્ષ્મીના પ્રસંગ પછી વ્યોમેશચંદ્રની ખાતરી થઈ ગઈ હતી કે પોતાને પરણવું જ પડશે. 'પરણ્યા સિવાય જગતમાં નીતિમાન રહેવું મુશ્કેલ છે.' એમ તેમણે સૂત્ર બાંધ્યું. નીતિમાંથી ચળાય એ ભયથી થતા લગ્નમાં નીતિ કેટલી રહી શકે એ ગૂંચવણભર્યો પ્રશ્ન તેમનાં મનમાં ઊઠ્યો જ નહિ. ચારે