પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : પત્ર લાલસા
 

પાસ વહેતી લોલુપ વૃત્તિઓને એકત્ર કરી એક જ વિજાતીય વ્યક્તિ તરફ પ્રેરવી એનું જ નામ શું લગ્ન ? અને એ લાલસા સંતોષવાનું સાધન એનું જ નામ પત્ની? નીતિ ! નીતિ ! જગતમાં તારી વ્યાખ્યા કેવી રીતે બાંધવી?

ગત પત્નીના વિચારને વ્યોમેશચંદ્ર શરમાતા હૃદયે આઘો કર્યો. 'શું કરું?’ તેમણે દલીલ કરી. 'પરણું નહિ અને આડે રસ્તે દોરાઈ જઉં તો તેને વધારે અન્યાય થશે !' જાણે આવાં લગ્નમાં અને આડા રસ્તામાં ભારે તફાવત હોય એમ તેમને લાગ્યું. આખા જગતને એમ લાગે છે. બધા ફરી પરણે છે. શા માટે વ્યોમેશચંદ્રને એકલાને દોષ દેવો ?

અને ઉપરાંત તેમનાં પત્નીએ મરતે મરતે પણ ફરી લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો ! એ આગ્રહ, એ આજ્ઞાનું ઉલ્લંઘન થાય ? ગત પત્નીની ઈચ્છા વિરુદ્ધ જવાનું પાપ થાય ? નહિ જ.

‘માટે મારે ફરી પરણવું જ પડશે.' વ્યોમેશચંદ્ર પોતાની દલીલો સબળ કરવા માંડી.