પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રેજ્યુએટ થયા પછી

કહી તું જાય છે દોરી
દગાબાજી કરી કિસ્મત !
મણિલાલ

સનાતન બી.એ.માં ઊંચા નંબરે પાસ થયો. તેના મિત્રો, સગાંસંબંધી, ઓળખીતાઓ અને કૉલેજના પ્રોફેસરોએ મુબારકબાદી આપી. તેને હજી આગળ અભ્યાસ કરવો હતો, પરંતુ જે ગામમાં તેના કાકાની બદલી થઈ હતી ત્યાં આગળ અભ્યાસની સગવડો નહોતી; અને તેથી પણ મહત્ત્વની વાત એ હતી કે તેની અગર તેના કાકાની પાસે વધારે અભ્યાસ કરવા માટેનું સાધન નહોતું.

ઉપરાંત સનાતનમાં ધનવાન થવા માટે તીવ્ર ઉત્કંઠા જાગી હતી. ભરતશીવણ કામ વેચી પોતાના પિતાની દુર્બળ સ્થિતિ ટાળવા પ્રયત્ન કરતી મંજરીને જ્યારથી તેણે જોઈ ત્યારથી તેના મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો: 'હું મંજરીને લાખોની મિલકત ભેટ ન કરી શકું? અને તેને આવી ગરીબીમાંથી છોડાવી ન શકું?' યુવકો સર્વદા આશાવાન અને ઉત્સાહી હોય છે. તેમની અભિલાષાને સીમા હોતી નથી, અને તેમાં પણ જો એ આશા અને અભિલાષા કોઈ યુવતીમાં સંક્રાન્ત થાય ત્યારે તેમાં અપૂર્વ બળ આવે છે. આકાશમાંથી તારાઓ તોડી લાવવામાં તેને મુશ્કેલી જણાતી નથી, હિમાલયને આંગળી ઉપર ઉઠાવવો એ સહજ લાગે છે, અને સૂર્યચંદ્રને દડાની માફક ફેંકવાની પ્રવૃત્તિ સ્વાભાવિક લાગે છે. સ્ત્રીઓ માટે પુરુષો જગતમાં શું શું નથી કરતા ?

યુવકો સર્વદા પોતાનું જીવન મહત્ત્વાકાંક્ષાથી જ શરૂ કરે છે, પણ સનાતનની મહત્ત્વાકાંક્ષામાં અતિશય તીવ્રતા હતી. બને તો એક જ દિવસમાં અઢળક ધન ભેગું કરવું એમ તેના મનમાં થયા કરતું. મંજરીના ચરણ આગળ ધનનો ઢગલો કરી ઊભા રહેવું અને મંજરીના નયનમાંથી પ્રશંસાનું કિરણ પોતાની આંખમાં ઝીલવું એ તેનું અત્યારે ધ્યેય હતું. મંજરી આવી ભેટ સ્વીકારશે કે કેમ ? તેનાં અભિમાની માતાપિતા આવી ભેટ સ્વીકારવા દેશે કે કેમ ? પોતે કયા સંબંધે આ ભેટ આપી શકશે ? એવા