પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : પત્રલાલસા
 

વિચાર કદાચ આવતા; પરંતુ તેનું સમાધાન સહજ થઈ શકતું. તે દિવસે અગાસીમાં મંજરીએ શું કહ્યું હતું ? પત્ર લખવાનો નહોતો કહ્યો ? કેવી ભાવભરી વાણીથી તે વાત કરતી હતી? તેની આંખમાં મીઠાશ કેવી ચમકી રહી હતી ? શું તે મારી ભેટ નહિ સ્વીકારે ? અને ભેટની સાથે મને નહિ સ્વીકારે ?

આ વિચાર આવતાં જ તેનાં રોમ ઊભાં થઈ જતાં. તેના દેહમાં વીજળી ઝબકી જતી. સમુદ્ર ઉલેચી નાખવાનું બળ આવતું. 'પત્ર તો લખશો ને ?' એમ બોલતી મંજરીની મૂર્તિ તેની આગળ ઊભી રહેતી. તેણે નિશ્ચય કર્યો હતો કે જ્યાં સુધી મંજરીની પાસે ધનનો ઢગલો ભેટમાં ન મૂકું ત્યાં લગી પત્ર લખવાની મારી લાયકાત ગણાય જ નહિ. આ નિશ્ચયથી તેણે ઘણી વાર મનને મારી કાગળ લખ્યો જ નહિ. તેને ઘણું મન થઈ આવતું કે પત્ર લખી તે મંજરીની ખબર પુછાવે. ક્વચિત પત્ર લઈને બેસતો પણ ખરો, થોડા અક્ષરો પાડતો પણ ખરો, પરંતુ પોતાની કઈ લાયકાત ઉપર તે કાગળ લખે ? લખેલો કાગળ તે ફાડી નાખતો, અને મંજરી માટે ધનવાન થવા અનેક વિચારોમાં મશગૂલ રહેતો.

મુંબઈ એ ધનની ખાણ છે એમ તેના જાણવામાં હતું. વધારે અભ્યાસ માટે પણ ત્યાં જ સગવડ થાય એવી હતી. ધનપ્રાપ્તિના અનેક માર્ગ ત્યાં જ મળી આવશે, અનેક સભાઓ અને મંડળીઓમાં ભળવાથી આગળ આવી શકાશે, આવા વિચારો કરી સનાતન મુંબઈ આવ્યો, અને પોતાના એક મિત્રની નાની સરખી ઓરડીમાં ઊતર્યો. તેને તરત વિચાર આવ્યો કે 'આવડું મોટું શહેર અને આટલાં ગંજાવર મકાનો, છતાં માણસને રહેવા માટે કેદીની ઓરડી કરતાં પણ નાની ઓરડી !'

તેણે ચારે પાસ અરજીઓ નાખી, પોતાની લાયકાતનાં ભભકભર્યા પ્રમાણપત્રો સાથે રાખ્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં તપાસ કરી; મળવા જેવા માણસોને મળ્યો, કાંઈ કરતાં એક વખત નોકરી મળી જાય તો પછી આગળ રસ્તો થશે એ વિચારથી નોકરી મેળવવા અત્યંત આગ્રહથી તેણે પ્રયત્નો શરૂ કર્યા.

પરંતુ જગતમાં આગળ વધવાના રસ્તા ભાગ્યે જ સરળ હોય છે. વ્યવહારમાં પ્રથમ પગલું મૂકતાં જ જગત તેને વધાવી લેશે એવી સનાતનની માન્યતા હતી. પરંતુ દુનિયા એવા હજારો અને લાખો સનાતનોની દરકાર વગર આગળ ધપ્યે જાય છે એવી તેને હવે જ ખબર પડી.

આ અરજીઓના જવાબો આવવા માંડ્યા : 'હાલ જગા ખાલી નથી.'