પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રેજ્યુએટ થયા પછી: ૩૯
 

વચ્ચેથી પસાર થતો આ જગતનો આધાર અંધકારમાં ઓસરી જતો હતો. ક્ષિતિજમાં ડૂબતે ડૂબતે પણ તેનું સ્મિત કાયમ રહ્યું, અને સંપૂર્ણ અસ્ત થતાં તેના સ્મિતનાં ચિત્રો આકાશે ઝીલી લીધાં.

દોડતા જગતને આની શી પરવા હતી ? સૂર્યાસ્ત રોજ થાય છે. ઘણાયે સૂર્યાસ્ત જોયા. એ સૂર્યાસ્ત મારા ખિસ્સામાં શો ભાર વધારે છે ? ધનપ્રાપ્તિ માટે રાત્રે પણ જાગવા ઈચ્છતા જગત ને સૂર્યાસ્તની આ કિંમત કરવાની છે.

સનાતન વિચારમાં ને વિચારમાં આગળ વધ્યો. વિચાર પણ બંધ પડ્યા. આજે ઘેર જવું સાંભર્યું નહિ. રાત પડી હતી, લોકોનાં ટોળાં વહ્યે જ જતાં હતાં, તે જોતો જોતો ખાલી મને સનાતન ચાલ્યો જ જતો હતો. તેનું હૃદય શૂન્ય હતું. તેના પગ જ માત્ર ચાલતા હતા. તેની આંખ ઉઘાડી હતી છતાં કોઈ પણ પ્રકારનું દ્રશ્ય તે તેના મગજ ઉપર છાપી શકતી નહોતી.

એટલામાં તેણે ખડખડાટ હસવાનો અવાજ સાંભળ્યો.

આ હાસ્ય સાંભળી તેનું હૃદય ખૂલી ગયું. તેણે આજુબાજુનાં દ્રશ્ય ગ્રહણ કરવા પ્રયત્ન કર્યો. આ સ્થાને તે ક્યાં આવી લાગ્યો ? આ આજુબાજુની બારીઓ અને ઓટલા ઉપર અંગ સમારીને સ્ત્રીઓ બેઠેલી હતી. રસ્તે જતા ફક્કડો સાથે ઠઠ્ઠામશ્કરી, હસાહસ અને તોફાન ચાલતાં હતાં. નફટાઈ અને અમર્યાદાની સીમા નહોતી. નાની બાળકીઓથી માંડી મધ્યવયમાં પ્રવેશ કરતી સ્ત્રીઓ ત્યાં જોવામાં આવતી અને તે સર્વ જતા આવતા, નાના મોટા અને વૃદ્ધ વયના પુરુષો ઉપર મોહનમંત્રનો પ્રયોગ ચાલુ રાખતી.

તેમનાં મુખ જોતાં સનાતન ચેતી ગયો. ‘આ તો પતિત સ્ત્રીઓ !' તેને મનમાં વિચાર્યું. પતિત સ્ત્રીઓના મુખ ઉપર તેમનું પતિતપણું સ્પષ્ટ અંકિત થયેલું હોય છે. હરકોઈ તેમને ઓળખી શકે છે.

'હું અહીં ક્યાં આવી ચઢ્યો ?' તે લવી ઊઠ્યો. તેને અપાર શરમ આવી. નાસી જવા માટે તેણે રસ્તો ખોળવા માંડ્યો. કોઈ દેખશે તો ? તેને પકડાવાનો ડર લાગ્યો. વ્યાકુળપણું તેના મુખ ઉપર જણાઈ આવ્યું હશે, કારણ તેના સામું જોઈ પેલી સ્ત્રીઓ હસતી હતી. એકે તો આ બહાવરાપણું જોઈ વગર પિછાને સનાતનને પૂછ્યું પણ ખરું.

'શેઠ ! મુંબઈ આજે જ જોયું કે ?'

તે વગર બોલ્યે આગળ વધ્યો. થોડેક છેટે ગયો એટલામાં તેને ખભે કોઈનો હાથ પડ્યો. ચમકીને તેણે પાછું જોયું. ચિતરંજનને તેણે ભાળ્યો. તે