પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦: પત્રલાલસા
 

હસતો હતો.

તેને શંકા આવી : 'આ વૃદ્ધાવસ્થાએ આવી પહોંચેલો માણસ પણ અહીં રખડે છે ?'

'કેમ સનાતન ! ઓળખાણ પડે છે ?' ચિતરંજને પૂછ્યું.

'હા. કેમ નહિ ? દીનાનાથ જાગીરદારનું મકાન મેં જ આપને બતાવ્યું હતું.' સનાતને જવાબ આપ્યો.

'મુંબઈ ક્યારનો આવ્યો છે, ભાઈ ?' ચિતરંજને એકવચનમાં સંબોધન કરી સનાતન સાથે નિકટપણું બતાવ્યું.

'થોડા દિવસ થયા. આપ ખુશીમાં છો ?' સનાતન જોઈ શક્યો કે ચિતરંજનને આ બાજુએ ઘણા જણ ઓળખતા હતા. કોઈ કોઈ સ્ત્રીઓ પણ તેને જોઈ સંકોચાતી. કદાવર પઠાણો, મજબૂત પૂરભૈયાઓ વગેરે ઘણા જ આગળ આવી ચિતરંજનને સલામ કરતા.

'ક્યાં ઊતર્યો છે ?' ચિતરંજને પૂછ્યું.

'મારા એક મિત્રને ત્યાં.'

‘સાથે નથી લાવ્યો ?'

સનાતનને શરમ આવી. પોતે આ સ્થાને કેવી અણધારી રીતે આવ્યો છે તે જણાવી દેવાનું મન થયું. પરંતુ તેની વાણી ચાલી નહિ.

ચિતરંજને કહ્યું : 'આ દુનિયા જોઈ ? ઇતિહાસ અને કાવ્ય તમને સતીઓનાં જ વર્ણનો આપે છે, પરંતુ આ તમારી પાપી દુનિયાએ જ સતીઓની બહેનોને ક્યાં ધકેલી મૂકી છે એનું કથન કયો ઇતિહાસ કહેશે?'

આ અમર્યાદ વાતાવરણમાં આ વિદ્વત્તાભર્યું વાક્ય સાંભળી સનાતનને આશ્ચર્ય લાગ્યું.

'ઠીક, પણ તું મુંબઈમાં નોકરી માટે આવ્યો હોઈશ.' ચિતરંજને પૂછ્યું.

'હા, જી.’ સનાતને જવાબ આપ્યો.

'કાંઈ નોકરી જડી ?'

'ના, હજી કાંઈ પત્તો લાગતો નથી. દુનિયાને મારી જરૂર હોય એવું જણાતું નથી.' સનાતને નિરાશાજનક જવાબ વાળ્યો.

'પુરુષને માટે લૂંટ અને સ્ત્રીઓને માટે દેહવિક્રય એ સિવાય પોષણનો કયો માર્ગ રહ્યો છે?' ચિતરંજનના મુખ ઉપર સર્વદા આનંદ જ જણાતો, પરંતુ આ ઉદ્દગાર કાઢતાં તેના મુખ ઉપર વિષાદની એક છાયા આવી ગઈ.