પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર સ્થળ

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની;
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની !
કલાપી

દૂર દૂર બળતા દીવા પ્રકાશ આપવાને બદલે અંધકારને વધારે ગાઢ સ્વરૂપ આપતા હતા. ક્વચિત્ જતા આવતા માણસો નિર્જનતાને વધારે તીવ્ર બનાવતાં. અંધકાર સાથે ભળી જતાં મકાનો છેક નજીક આવતાં નાનાં મોટાં લાગતાં.

સનાતનને સ્પષ્ટ સમજાયું કે તે કોઈ અવનવા લત્તામાં ફરે છે. એકાએક બે મકાનોની વચ્ચે અંધારા ખૂણામાંથી કાંઈક ચળકાટ જણાયો, અને સાથે જ કોઈ માણસે ધસારો કર્યો હોય એમ લાગ્યું. સનાતનને ખંજર લઈ ઊભેલા બદમાશોની ચેતવણી યાદ આવી, ને ચિતરંજનની અને ધસી આવતી વ્યક્તિની વચમાં તે આવી ઊભો.

સનાતનને સખત ધક્કો વાગ્યો, પરંતુ તેને અત્યારે કશી ભીતિ રહી નહોતી. ચિતરંજન ઉપર ઊપડેલા હાથને તેણે એક વખત નિષ્ફળ કર્યો ફરીથી તે હાથ ઊપડ્યો અને સનાતને તેને ઝાલી લીધો. તેનામાં અપૂર્વ બળ આવ્યું. પોતાના કરતાં એક વેંત ઊંચા અને બેવડા શરીરને તે અટકાવી રહ્યો હતો.

ચિતરંજનને લાગ્યું કે સનાતન મુશ્કેલીમાં છે. એક ધારદાર મોટો છરો ઉપાડેલા હાથને તે પકડી રહ્યો હતો, અને સામા મનુષ્યના બળવાન શરીર સાથે તે યુદ્ધમાં ઊતર્યો હતો.

‘છોડ, હાથ છોડ !' પેલા નવીન માણસે બૂમ મારી. ધારેલા મનુષ્ય ઉપર ઘા ન થઈ શક્યાની મૂંઝવણ તે બૂમમાં સ્પષ્ટ જણાતી હતી. એકદમ સનાતનના ગળા પર પેલા માણસે હાથ મૂક્યો. તેના પહોળા પંજા નીચે સનાતનનું ગળું દબાવા લાગ્યું, અને છરાવાળા હાથ ઉપરથી પકડ હલકી થઈ ગઈ. સનાતનને લાગ્યું કે કાં તો ગળું દબાઈને અગર છરો ભોંકાઈને મરવાનો વખત આવી પહોંચ્યો અને અંત સમય ધારી તેણે સઘળું જોર વાપર્યું. પરંતુ તે જોરની નિષ્ફળતા તેને તુરત સમજાઈ.