પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર સ્થળઃ ૪૩
 


પરંતુ એકાએક તેનું ગળું હલકું થયું, છતાં એક આછો જખમ હાથ ઉપર થતો લાગ્યો. ચિતરંજને પેલા નવીન મનુષ્યના મસ્તક ઉપર એક મુક્કીનો એવો પ્રહાર કર્યો કે તેને તમ્મર આવી તે નીચે પડ્યો. પડતાં પડતાં તેણે છરાનો બની શકે તેટલો ઘા કરવા પ્રયત્ન કર્યો, અને તેમાં સનાતનના હાથ ઉપર તે લાગ્યો.

'બદમાશ ! હજી મારો હાથ નથી જોયો, ખરું ?' ચિતરંજન મોટેથી પુકારી ઊઠ્યો.

પાસેનું એક બારણું ખૂલ્યું, અને તેમાંથી એક મધ્યવયની સ્ત્રી ઝાંખું ફાનસ લઈ આવી.

મધ્યવય છતાં તેનું મુખ સુંદર અને આકર્ષક લાગતું હતું.

'સનાતન ! વાગ્યું કે શું ?' ચિતરંજને પૂછ્યું.

‘જરા. ગભરાવાનું કારણ નથી.’ સનાતને કહ્યું.

'શું થયું ? અંદર આવતા રહો ને ? પાછો ઝઘડો થયો કે શું ?' પેલી સ્ત્રીએ પૂછ્યું.

'કાંઈ નહિ, મેના ! એ તો આ માખી સહજ મસળાઈ ગઈ.' ચિતરંજને જવાબ આપ્યો. 'સનાતન ! અંદર જા. વાગ્યું છે ત્યાં પાટો બંધાવ. આ ખાનસાહેબને જરા જાગતા કરું.'

પરંતુ સનાતન ત્યાંથી ખસ્યો નહિ. ચિતરંજને જોયું પેલા ભોંય પડેલા માણસની મૂર્છા વળી હતી. ચિતરંજને તેનો એક હાથ પકડયો અને તેને વાગે છે કે નહિ તેની જરા પણ દરકાર વગર તેને ઘસડી તેણે ઓટલે ચઢાવ્યો, અને મેના જે બારણામાંથી બહાર આવી હતી તે બારણામાં થઈ તેને ઘરમાં લીધો.

સનાતન તથા મેના એ બંનેની પાછળ ઘરમાં દાખલ થયાં.

ઘર આછું શણગારેલું હતું. ચિતરંજને પેલા માણસને એક કોચ ઉપર બેસાડ્યો, અને સનાતનને લઈ તે એક હીંચકા ઉપર બેઠો.

મેના અંદર જઈ પાણી અને સફેદ કપડું લઈ આવી.

'ભાઈ ! બહુ વાગ્યું જણાય છે. હજી લોહી અટકતું નથી. લાવો, હું પાટો બાંધી દઉં.' મેનાએ સનાતનને કહ્યું. તેના બોલવામાં માર્દવ ઊભરાઈ આવતું હતું.

પેલા માણસે ચારે પાસ નજર નાખવા માંડી. તે અત્યંત કદાવર અને મજબૂત હોઈ એક પહેલવાનનો ખ્યાલ આપતો. તેણે માત્ર ધોળું પહેરણ અને સુરવાળ પહેરેલાં હતાં. માથે ફૂમતું લટકતી ટોપી પહેરી હતી. આ