પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ : પત્રલાલસા
 

સ્થિતિમાં પણ ટોપીને વાંકી મૂકેલી હતી. તેના પહેરણમાંથી તેનો વિશાળ સીનો તેની મજબૂતીનો સામા માણસનો ખ્યાલ આપતો. તેની મોટી લાલ આંખો, તથા કાળી ભરાવદાર દાઢી અને મૂછ તેના સ્વરૂપમાં વિક્રાળતા ઉમેરતાં.

સનાતનને પણ સહજ સંકોચ થયો. આવા ભયંકર પુરુષની સામે તે બાથે પડ્યો હતો ? કદાચ તેને પૂરેપૂરો નિહાળ્યો હોત તો તેની સામે થવાની તે ભાગ્યે જ હિંમત કરી શકત.

'કેમ, રફીક ! હવે મરવાનો જ તેં ઠરાવ કર્યો છે, નહિ ?' થોડી વારે ચિતરંજને તેને પૂછ્યું.

સનાતનને આશ્ચર્ય લાગ્યું. ચિતરંજન તો તેનું નામ પણ જાણતો હતો !

રફીકે મગરૂરીથી ડોકું ઊંચું કર્યું. તેની આંખમાંથી અગ્નિ વરસતો લાગ્યો. ‘તમને મારતા પહેલાં હું મરવાનો નથી એ ખાતરી રાખજો.' રફીકનો ઘેરો અવાજ આવ્યો.

ચિતરંજન ખડખડાટ હસી પડ્યો. તેના હાસ્યમાં રહેલી બેદરકારી અને તુચ્છતાએ રફીકની આંખમાં વધારે ખૂન પ્રેર્યું.

'આ નાદાન છોકરો વચ્ચે આવ્યો અને તમે બચી ગયા. પણ રફીકને બીજા રસ્તા પણ જડે છે.' રફીકે હાસ્યનો ઉત્તર આપ્યો.

‘તું નકામો ફાંફાં મારે છે. કોઈ ને કોઈ મારી અને તારી વચ્ચે આવશે જ.’ ચિતરંજને જવાબ આપ્યો.

એટલામાં અંદરથી એક નાની બાળકી દૂધના પ્યાલા લઈ આવી.

'કેમ, ખાનસાહેબ ? દૂધ તો પીશો ને ?' ચિતરંજને પેલા ધૂંધવાતા રફીકને પૂછ્યું. 'શરાબ તો અહીં નહિ મળે !'

રફીક કાંઈ જ બોલ્યો નહિ. તેના મુખ ઉપર ક્રોધની લાગણી વધારે સ્પષ્ટ જણાયા કરતી હતી. પેલી બાળકીએ એક પ્યાલો ચિતરંજનની પાસે; એક પ્યાલો સનાતન પાસે, અને એક રફીકની પાસે મૂક્યો.

રફીકે ગુસ્સામાં જ એ પ્યાલાને જોરથી લાત મારી. દૂધ ચારે પાસ ઢોળાઈ ગયું અને પ્યાલાના ટુકડેટુકડા થઈ ગયા.

સનાતનને કશી સમજ પડી નહિ. રફીક અને ચિતરંજન એક બીજાને ઓળખે છે છતાં આમ પરસ્પર દુશમનાવટ શાની રાખે છે ? અને એ દુશ્મનાવટ હોય તો ચિતરંજન આટલો બધો વિવેક કરી તેને દૂધ પાવાનો નિષ્ફળ પ્રયત્ન કેમ કરે છે ?