પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦: પત્રલાલસા
 

થાત. હરામખોર ! મારા અહીં આવવાની ખબર તેં જ રફીકને કરી હતી. અને સામે સંતાડ્યો હતો, ખરું ને ?' ચિતરંજને નોકરનો ગુનો જણાવ્યો. બધાંને નવાઈ લાગી કે ચિતરંજને આ બધું શી રીતે જાણ્યું.

ચિતરંજને એક ચીથરું હાથમાં લીધું અને દીવાસળીથી સળગાવ્યું.

ગમે તે ગુનો થયો હોય છતાં આવી ઘાતકી રીતથી બે માણસોને જીવતા બાળી નાખવા માટે થતો આ પ્રયત્ન અતિશય ભયંકર હતો. બહાર શાંત, નિ:શબ્દ રાત્રિ વહી જતી હતી. પણ એ નિઃશબ્દ રાત્રિમાં કાળનું ખડ્ગ જગતના આ એક નજીવા ખૂણામાં કેવું ક્રૂરપણે ફરતું હતું તે જોવા જાણવાની કોઈને પરવા નહોતી. પરવા હોય તોપણ કોઈ જાણી શકે એમ નહોતું. રાત્રિનો અંધકાર કેટકેટલા ગુનાઓને છુપાવે છે ?

ચીંથરાનો ભડકો થતાં મેનાએ સનાતન સામે જોયું. બંનેની અસ્વસ્થતા સરખી જ હતી. સનાતન તો મૂઢ બની ગયો હતો. મેનાએ ધીમે રહી તેને કહ્યું: ‘તમે કંઈક કહો, તમારું માનશે.'

એકાએક ભાન આવ્યું હોય એમ ચમકી સનાતન આગળ આવ્યો; તેણે ચિતરંજનનો હાથ પકડ્યો, અને અત્યંત આર્જવપૂર્વક વિનંતી કરી :

'મારી ખાતર આ લોકને આજે જવા દો. હું આ બધું જોઈ શકતો નથી.' સનાતને કહ્યું.

‘તને ખબર છે કે મારું ખૂન કરવા રફીકે આ પાંચમો પ્રયત્ન કર્યો છે ?' ચિતરંજને પૂછ્યું. તેના મુખ ઉપર મૃદુતાનો ભાસ થતો જણાયો. સનાતને તેનો લાભ લેવા ઈચ્છા કરી.

'ગમે તેમ હોય પણ મારી ખાતર આટલો વખત તો માફ કરો. હું મને જીવતદાન આપ્યું માનીશ.' ચિતરંજનને સનાતને વધારે આગ્રહ કર્યો.

ચિતરંજન હસ્યો : 'તમે ગુજરાતીઓ ક્યારે બહાદુર થશો? મરતાંય નથી આવડતું અને મારતાંય નથી આવડતું ! હશે, ચાલ. તારી ઈચ્છા છે તો છઠ્ઠી વાર રફીકને મારું ખૂન કરવાની તક આપું.'

ચિતરંજને બળતો કટકો હોલવી નાખ્યો, અને પેલા ભયભીત નોકરને તેણે આજ્ઞા કરી : 'જા, હવે તારા દોસ્તને છૂટો કર. એની સાથે તું પણ બચ્યો.'

સનાતનને ખભે હાથ મૂકી હસતે મુખે પાછો ચિતરંજન આવી હીંચકે બેઠો. મેના પણ દૂર જમીન ઉપર એક પાથરણા ઉપર બેસી ગઈ. નોકરે રફીકને છોડ્યો. બંધાયેલા શરીરને છૂટતાં ઘણી વેદના થતી હોવી જોઈએ, પરંતુ બહાદુર રફીકના મુખમાંથી એક પણ વેદના દર્શાવતો સ્વર નીકળ્યો