પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરઃ પત્રલાલસા
 

સનાતનને ગમ પડી નહિ, માટે જ આ મધ્ય વયની સ્ત્રીએ ચિતરંજન માટે પ્રદર્શિત કરેલી લાગણીથી તેને નવાઈ લાગી. દુનિયાની વિચિત્રતાનો પાર નથી એમ તેને થોડા વખતથી સમજાવા લાગ્યું હતું. વિચિત્રતાના નમૂનામાં ચિતરંજન, મેના અને રફીકનો ઉમેરો થયો.

'ભાઈ ! ચાલો હવે આરામ લ્યો.' કહી મેનાએ તેને ઘરના અંદરના ભાગમાં દોર્યો. મકાન વિશાળ હતું. અંદર એક મોટો બગીચો હોય એમ લાગ્યું. તે બગીચાની ચારે તરફ દીવાલ હતી, અને દીવાલને લાગીને પણ બગીચામાં કેટલાંક મકાનો પડતાં હતાં એમ જણાયું. મકાનોના એક સમૂહના આગલા ભાગમાં ઉપરનો બનાવ બન્યો હતો એમ સહજ સનાતનને જણાયું.

'બહુ મોટી જગા છે. મુંબઈમાં આવી જગા મળવી મુશ્કેલ છે.' સનાતન બોલી ઊઠ્યો.

‘તોયે નાની પડે છે. જોડેનાં થોડાં મકાનો લેવાં પડશે. મેનાએ દાદર ઉપર ચઢતાં ચઢતાં જણાવ્યું. સનાતન પાછો ગૂંચવણમાં પડયો. આવડું મોટું મકાન છે છતાં નાનું પડે છે એનું કારણ શું ? ઘરમાં બીજા માણસો તો જણાતાં નથી ! દાદર ચઢી રહી તેઓ મોટા ખંડમાં આવ્યાં.

આ ખંડમાં વિવિધ જાતનાં યંત્રો ગોઠવેલાં દીઠાં. રેંટિયા, શીવણનાં સંચા, મોજાં ભરવાનાં યંત્ર, પુસ્તકો બાંધવાનાં યંત્ર, પુસ્તકો બાંધવાના સાધનો, વગેરે જુદે જુદે સ્થળે મૂકેલાં હતાં. કેટલાંક અધૂરાં તોરણો, અધૂરા ગૂંથેલા રૂમાલ, પડદા, વગેરે પડેલાં પણ સનાતનના જોવામાં આવ્યાં. તેને કોઈક કારખાનાનો ભાસ થયો. આ સ્થળે આવું કારખાનું ક્યાંથી ? મેનાએ પૂછવાનો વિચાર કર્યો એટલામાં તે બીજા ઓરડામાં દાખલ થયો.

આ ઓરડામાં ઘણાં ચિત્રો તેના જોવામાં આવ્યાં. તેમાંના કેટલાંક બહુ ઊંચી જાતનાં હતાં. કેટલાંક અસલ ચિત્રો ઉપરથી ચિતરાયેલાં હોય એમ લાગ્યું. કેટલાંક તદ્દન પ્રાથમિક હતાં. આ ચિત્રશાળા તો નહિ હોય ? તેના મનમાં શંકા આવી.

એ ઓરડાની નજીકમાં બીજી નાની ઓરડી આવતી હતી. તેમાં મેના સનાતનને લઈ ગઈ. આ ઓરડી પ્રમાણમાં મોટી હતી છતાં તેમાં ભેગી થયેલી વસ્તુઓને લીધે તે નાની લાગતી. વિવિધ હથિયારો, વિવિધ છબીઓ, જુદાં જુદાં કપડાં અને જુદી જુદી નવાઈની ચીજોનું આ સ્થળ જાણે સંગ્રહસ્થાન હોય એમ સનાતનને લાગ્યું. કેટલાંક પુસ્તકો પડ્યાં હતાં.

થોડાંક મૃગચર્મ પણ જમીન ઉપર પાથરેલાં હતાં. પાસે એક પલંગ પડ્યો હતો.