પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર માનવીઓ: ૫૩
 


મેનાએ સનાતનને તે પલંગ ઉપર સૂવાની સૂચના કરી. સનાતનને આ બધું ઘણું જ અપરિચિત લાગ્યું, છતાં હવે સૂતા વગર છૂટકો જ નહોતો. થાક લાગ્યો હતો અને જોકે ઘાની પીડા વધારે નહોતી છતાં તે વધવાની ધાસ્તી રહેતી હતી એટલે મેનાની સૂચનાને તેણે માન આપ્યું.

‘બહુ સૂનું તો નહિ લાગે ને ?' મેનાએ જતાં જતાં પૂછ્યું. 'હું આ પાસેના ઓરડામાં છું, હોં '

'કાંઈ હરકત નહિ. આપ હવે આરામ લો. મારી ચિંતા ન કરશો. મને અહીં બહુ જ ફાવશે.' આમ કહી સનાતન મેનાને વિદાય કરી. શરીરને અતિશય થાક લાગ્યો હતો એટલે તેને ઊંઘી જતા વાર લાગી.

તે કેટલી વાર સૂતો હશે તેની તેને ખબર નહોતી. પરંતુ તેને મંજરીનું સ્વપ્ન આવતાં તે જાગી ગયો. મંજરીને જાણે રફીક લઈ જતો હોય અને તેને છોડાવવાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડતાં ચિતરંજન તેના ભયંકર બેદરકાર હાસ્યથી પોતાની મશ્કરી કરતો હોય એવી કલ્પના સ્વપ્નમાં ખડી થઈ, અને જાગી ઊઠતાં ખરેખર એક મૃગચર્મ ઉપર બેઠેલા ચિતરંજનને હસતો સાંભળી સનાતનને અતિશય નવાઈ લાગી. પ્રભાત થઈ ગયું હતું. મેના ચિતરંજનને ઈશારો કરતી હતી કે સનાતન સૂતો હોવાથી તેણે હસવું ન જોઈએ. છતાં તેનું હાસ્ય ખાળ્યું રહ્યું નહિ અને સનાતન જાગી ઊઠ્યો.

મેનાએ કહ્યું: ‘હું નહોતી કહેતી કે સનાતન જાગી જશે ?'

‘હશે, કાંઈ હરકત નહિ. જુવાન છોકરાઓએ ઊંઘ ઉપર કાબૂ રાખવો જોઈએ.’ ચિત્તરંજને જવાબ આપ્યો. સનાતન ઊઠી બેઠો થયો, અને તેણે ચિતરંજનને અને મેનાને નમસ્કાર કર્યા.

ચિતરંજન આવી સભ્યતાથી જરૂર હસી પડત. મેનાએ પણ ધાર્યું હતું કે સનાતનનો આ શિષ્ટાચાર તેને ચિતરંજનની ટીકામાંથી મુક્ત નહિ રાખે, પરંતુ ચિતરંજને તેના નમસ્કારને હસી ન કાઢતાં, તેના ઉપર કોઈ અણધાર્યા વિષાદની છાયા ફરી ગઈ અને ક્ષણમાં તે હસતું મુખ ધારણ કરી બોલ્યો :

'સનાતન ! તારો ઘા મટતા સુધી તારે અહીં જ રહેવાનું છે હોં !'

'મારો મિત્ર મારી રાહ જોતો હશે. હું ન મળું અને કદાચ ઘેર ખબર આપે તો બધાંના જીવ ઊંચા થાય.' સનાતને કહ્યું.

‘તેની હરકત નહિ. હું ખબર પહોંચાડીશ. તેનું સિરનામું મને આપજે.'

હવે તેને કાંઈ બોલવાનું રહ્યું નહિ. તેણે મોં ધોઈ ઓરડીમાં ફરવા