પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : પત્રલાલસા
 

માંડ્યું. અને ભીંતે ટાંગેલી ચીજો અને છબીઓનું તે નિરીક્ષણ કરવા લાગ્યો. એટલામાં એક સુંદર યુવતી દૂધના પ્યાલા લઈ અંદર આવી.

આ યુવતી ખરેખર સુંદર હતી. ગઈ કાલે સનાતને તેને જોઈ નહોતી. એકાએક બગીચામાંથી દિલરૂબા સાથે કોઈ ગાતું હોય એવો સનાતનને ભાસ થયો, ધ્યાનપૂર્વક સાંભળતાં તે કોઈ સ્ત્રીનો મીઠો સૂર હતો એમ તેની ખાતરી થઈ. તેને મંજરી યાદ આવી. 'શું તે અહીં તો નહિ આવી હોય ?' તેના મનમાં શંકા ઉપસ્થિત થઈ. કંઠમાધુર્ય મંજરી વિના બીજામાં શક્ય હોય જ નહિ એમ તેની માન્યતા હશે.

કેટકેટલા યુવકોની મંજરીઓનાં ગાન અપૂર્વ હોય છે ! તેને ખાતરી થવા લાગી કે આ ગાન મંજરી જ ગાય છે. દીનાનાથને અને ચિતરંજનને એટલો ગાઢ સંબંધ હતો કે મંજરીની અહીં હાજરી હોય એમાં તેને આશ્ચર્ય જેવું લાગ્યું નહિ.

'સનાતન ! દૂધ પીઈશ કે ચહા મંગાવું ?' ચિતરંજને આમ કહ્યું ત્યારે સનાતન મંજરીની કલ્પનામાંથી જાગૃત થયો.

'કંઈ પણ ચાલશે.’ સનાતને જણાવ્યું.

'જા, છોકરી ! ચાનો પણ પ્યાલો લેતી આવ.' એમ કહી મેનાએ પેલી યુવતીને બહાર મોકલી.

સનાતન હસ્યો. 'ચહાનું અજબ સામ્રાજ્ય વ્યાપ્યું છે; બ્રિટિશ સલ્તનત કરતાં પણ વધારે વિસ્તૃત છે.'

ચિતરંજને કહ્યું : 'પરંતુ હજી મારા જેવા ઘણા ગામડિયાઓ છે કે જે જૂનાપુરાણા દૂધને પસંદ કરે છે.'

હજી પેલું ગાન ચાલ્યા કરતું હતું. બિલાવલના સૂર અદ્દભુત માધુર્ય પ્રસરાવતા હતા. વચમાં ચિતરંજન પણ ક્વચિત્ હાથનો તાલ આપતો. સનાતનનો જીવ રહ્યો નહિ. તેણે પૂછ્યું :

'દીનાનાથ અહીં છે ?'